10 લાખ પરિવારના મોર્ગેજમાં માસિક 500 પાઉન્ડનો વધારો થશેઃ બેન્ક ઓફ ઇંગ્લેન્ડ

20 લાખ કરતાં વધુ પરિવારને મોર્ગેજ પેટે માસિક 200થી 499 પાઉન્ડ વધારે ચૂકવવા પડશે

Tuesday 18th July 2023 11:11 EDT
 
 

લંડનઃ બેન્ક ઓફ ઇંગ્લેન્ડે જણાવ્યું છે કે 2023ના અંતથી 2026 સુધીમાં 10 લાખ પરિવારોના મોર્ગેજ બિલમાં ઓછામાં ઓછો માસિક 500 પાઉન્ડનો વધારો થશે. એક રિપોર્ટમાં બેન્કે જણાવ્યું છે કે મોર્ગેજધારકો તેમની લોન પરત ચૂકવવામાં તકલીફ અનુભવી શકે છે પરંતુ મોર્ગેજ કંપનીઓ ગ્રાહકો લોન પરત ચૂકવવામાં નિષ્ફળ જાય તો પણ તેનો આંચકો સહન કરવામાં સક્ષમ છે.

ફાઇનાન્સિયલ ઇન્ફર્મેશન સર્વિસ મનીફેક્ટ્સના જણાવ્યા અનુસાર મોર્ગેજના દરોમાં વધારો થતાં લોન વધુ મોંઘી બનશે. બુધવારે બે વર્ષના ફિક્સ્ડ મોર્ગેજના દર 6.7 ટકા પર પહોંચી ગયાં છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડે જણાવ્યું હતું કે, ફિક્સ્ડ રેટ મોર્ગેજ ડીલ પૂરી થતાં લોકોને તેમની લોન રિન્યૂ કરાવવી પડશે જેના કારણે મોર્ગેજની પુનઃચૂકવણી વધુ મોંઘી બનશે. આ વર્ષના અંતથી 2026ના અંત સુધી 20 લાખ કરતાં વધુ પરિવારને મોર્ગેજ પેટે માસિક 200થી 499 પાઉન્ડ વધારે ચૂકવવા પડશે. આગામી અઢી વર્ષમાં 10 લાખ મોર્ગેજધારકોના માસિક પેમેન્ટમાં 500 પાઉન્ડનો ઓછામાં ઓછો વધારો થઇ જશે.

બેન્કે જણાવ્યું હતું કે, ટૂંકાગાળાની વાત કરીએ તો 2023ના બીજા છ માસિકમાં જેમની ફિક્સ્ડ રેટ ડીલ સમાપ્ત થાય છે તેવા સરેરાશ પરિવારને હાલના મોર્ગેજ દરે રિફાઇનાન્સના પગલે દર મહિને 220 પાઉન્ડ વધારે ચૂકવવા પડશે.

મોર્ગેજ ડિફોલ્ટરની સંખ્યામાં 30 ટકાનો તોતિંગ ઉછાળો

જૂન મહિનાના અંતે પૂરા થયેલા છેલ્લા 3 મહિનામાં મોર્ગેજ નહીં ચૂકવી શકનારા લોન ડિફોલ્ટરોની સંખ્યામાં મોટો વધારો થયો છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ક્રેડિટ કન્ડીશન્સ સરવે અનુસાર ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં મોર્ગેજ ડિફોલ્ટની સંખ્યામાં 30 ટકાનો ઉછાળો થયો છે. પહેલા ત્રિમાસિકમાં આ સંખ્યા 14 ટકા જ હતી. મોર્ગેજ લેન્ડરોમાં ભય પ્રવર્તી રહ્યો છે કે ત્રીજા ત્રિમાસિકમાં લોન ડિફોલ્ટરોની સંખ્યામાં વધુ ઉછાળો જોવા મળી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter