લંડન
વિશ્વમાં પહેલીવાર કોઇ સરકાર દ્વારા પોતાના નાગરિકો ધુમ્રપાનનો ત્યાગ કરે તે માટેની યોજના યુકેમાં શરૂ કરવામાં આવી રહી છે. યુકેમાં સ્વેપ ટુ સ્ટોપ પ્રોગ્રામ અંતર્ગત 10 લાખ લોકોને સિગારેટના સ્થાને વેપનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે જેથી લોકો ધુમ્રપાનનો ત્યાગ કરી શકે. આ માટે સરકાર દ્વારા ધુમ્રપાન છોડવા ઇચ્છતા લોકોને વેપિંગ સ્ટાર્ટર કિટ અપાશે અને સાથેસાથે માનસિક સહાય પણ પૂરી પડાશે.
યુકેની સરકાર 2030 સુધીમાં દેશને ધુમ્રપાનમુક્ત બનાવવાનો લક્ષ્યાંક ધરાવેછે. યુકેના હેલ્થ મિનિસ્ટર નીલ ઓબ્રાયને જણાવ્યું હતું કે, આ યોજના દ્વારા દેશમાં લોકોને સારી જીવનશૈલી મેળવવામાં મદદ મળી રહેશે. સિગારેટ જ ફક્ત એક એવું ઉત્પાદન છે જેનો યોગ્ય રીતે ઉપયોગ કરાય તો તે તમને મોત સુધી દોરી જાય છે. અમે 10 લાખ લોકોને ધુમ્રપાનનો ત્યાગ કરવા માટે તમામ મદદ પૂરી પાડીશું. આ માટે સ્થાનિક સત્તામંડળોની મદદ લેવાશે. સમુદાયો માટે પણ યોજના તૈયાર કરવામાં આવી રહી છે.
આરોગ્ય મંત્રીએ બાળકોમાં વેપિંગના પ્રમાણના પુરાવા અંગેની કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો છે. એનએચએસના આંકડા દર્શાવે છે કે 11થી 15 વર્ષના 9 ટકા બાળકો ઇ-સિગારેટનો ઉપયોગ કરે છે. બાળકોમાં વેપ્સના ગેરકાયદેસર વેચાણને અટકાવવા માટે એક સ્ક્વોડની રચના કરાશે અને તે માટે 3 મિલિયન પાઉન્ડની ફાળવણી કરાશે.
ધુમ્રપાન છોડનારી મહિલાઓને 400 પાઉન્ડના શોપિંગ વાઉચર અપાશે
ધુમ્રપાનનો ત્યાગ કરનારી ગર્ભવતી મહિલાઓને સરકાર દ્વારા 400 પાઉન્ડના શોપિંગ વાઉચર અપાશે. નીલ ઓબ્રાયને જણાવ્યું હતું કે, 45 મિલિયન પાઉન્ડની આ સ્કીમમાં દર પાંચમાંથી એક પુખ્ત સ્મોકરને વેપિંગ કિટ અપાશે. 9 ટકા જેટલી ગર્ભવતી મહિલાઓને ધુમ્રપાન છોડવા માટે નાણાકિય લાભ આપવાનો નિર્ણય લેવાયો છે.


