લંડનઃ રેલવેના પ્રવાસીઓને મોટી રાહત આપતા સરકારે 1000 જેટલી રેલવે સ્ટેશન ટિકિટ ઓફિસ બંધ કરવાની યોજના પડતી મૂકી છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી માર્ક હાર્પરે જણાવ્યું હતું કે, તેમણે પેસેન્જર સંગઠનો દ્વારા આ પ્રસ્તાવને એકસૂરે નકારી કઢાયા બાદ મેં રેલવે કંપનીઓને તેમના પ્રસ્તાવ પાછા ખેંચવા સૂચના આપી છે.
લંડન ટ્રાવેલવોચ સંગઠને લંડનમાં 9 રેલવે કંપનીઓને રાજધાનીની આસપાસ આવેલી 269 રેલવે ટિકિટ ઓફિસ બંધ કરવાની તેમની યોજના સામે વિરોધ ઉઠાવતા પત્રો લખ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. સરકારના આ નિર્ણયના કારણે હવે રેલવે કંપનીઓએ ક્યાં તો તેમની યોજનાઓમાં સુધારા કરવા પડશે અથવા તો સરકારને અપીલ કરવી પડશે. જોકે પોતાની જ પાર્ટીમાં વિરોધનો સામનો કરી રહેલા ટ્રાન્સપોર્ટ સેક્રેટરીએ જાહેરાત કરી છે કે રેલવે કંપનીઓની યોજનાને સરકારે આપેલું સમર્થન પાછું ખેંચી લીધું છે.
હાર્પરે જણાવ્યું હતું કે, ટિકિટ ઓફિસ મામલાની ચર્ચાઓનો હવે અંત આવી ગયો છે. સરકારે રેલવે મંત્રાલયને સ્પષ્ટતા કરી દીધી છે કે કોઇપણ પ્રકારના પ્રસ્તાવ પ્રવાસીઓના હિતમાં હોવા જોઇએ.


