લંડનઃ વેસ્ટ લંડનની એક હોસ્પિટલ કાફેમાં સ્વેચ્છાએ વિનામૂલ્યે કામ કરતા 103 વર્ષીય બેરિલ કાર્રને ગિનિઝ બુક ઓફ રેકોર્ડ્સમાં વિશ્વના સૌથી વૃદ્ધ મહિલા સ્વયંસેવક તરીકે સ્થાન અપાયું છે. બેરિલ કાર્ર ઇલિંગ હોસ્પિટલના ફ્રેન્ડ્સ કાફેમાં સપ્તાહમાં એક દિવસ કેશિયર તરીકે સેવા આપે છે. તેમને કાફેમાં સેન્ડવિચ તૈયાર કરવાનું પણ ગમે છે.
બેરિલે 2003માં 81 વર્ષની વયે આ કામ શરૂ કર્યું હતું અને હજુ તેમની સફર જારી છે. બેરિલનો જન્મ 1922માં એક્ટનમાં થયો હતો. બે ભાઇ અને એક બહેન સાથે તેમનો ઉછેર ઇલિંગમાં જ થયો હતો. લગ્ન બાદ તેઓ પતિ સાથે કેમ્બ્રિજશાયરમાં સ્થાયી થયાં હતાં. પતિના નિધન બાદ તેઓ દીકરી વાલ સાથે રહેવા ઇલિંગ પરત ફર્યા હતા.