11 એપ્રિલથી પાસપોર્ટની ફીમાં 7 ટકાનો વધારો અમલી બન્યો

14 માસમાં બીજીવાર ફી વધારો ઝીંકાયો, કુલ 16 ટકા ફી વધી

Tuesday 16th April 2024 10:11 EDT
 
 

લંડનઃ 11 એપ્રિલ ગુરુવારના રોજથી યુકેની પાસપોર્ટ ફીમાં વધારો કરી દેવાયો છે. 14 મહિનામાં આ બીજો વધારો ઝીંકાયો છે. ગુરુવારથી અમલમાં આવેલી નવી ફી અંતર્ગત હવે પુખ્ત વ્યક્તિ માટેના નવા પાસપોર્ટ અને રિન્યૂ કરેલા પાસપોર્ટ માટે 82.50 પાઉન્ડના સ્થાને 88.50 પાઉન્ડ ચૂકવવા પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2023માં પાસપોર્ટની ફીમાં 9 ટકાનો વધારો કરાયા બાદ હવે વધુ 7 ટકાનો વધારો લદાયો છે. હોમ ઓફિસની દલીલ છે કે તેને પાસપોર્ટ જારી કરવામાં કોઇ નફો થતો નથી. ફીમાં વધારો કરવાથી સેવાઓમાં સુધારો લાવી શકાશે.

બાળકોના પાસપોર્ટ માટે ઓનલાઇન અરજીની ફી 53.50 પાઉન્ડથી વધારીને 57.50 પાઉન્ડ કરાઇ છે જ્યારે પોસ્ટ દ્વારા કરાતી અરજી માટેની ફી 64 પાઉન્ડથી વધારીને 69 પાઉન્ડ કરાઇ છે. પુખ્ત વ્યક્તિના પાસપોર્ટ માટેની પોસ્ટલ એપ્લિકેશનની ફી 93 પાઉન્ડથી વધારીને 100 પાઉન્ડ કરાઇ છે.

વિદેશથી અરજી કરનારા અથવા તો તાકિદે પાસપોર્ટ મેળવવા ઇચ્છનારે વધુ નાણા ચૂકવવા પડશે.

નવી પાસપોર્ટ ફી

-          પુખ્ત વ્યક્તિ માટે (ઓનલાઇન અરજી) – 88.50 પાઉન્ડ

-          પુખ્ત વ્યક્તિ માટે (પોસ્ટલ અરજી) – 100 પાઉન્ડ

-          બાળક માટે (ઓનલાઇન અરજી) – 57.50 પાઉન્ડ

-          બાળક માટે (પોસ્ટલ અરજી) – 69 પાઉન્ડ

યુકેના એરપોર્ટો પર વસૂલાતો 10 પાઉન્ડનો ઇટીએ ચાર્જ રદ કરવા માગ

અન્ય ફ્લાઇટ સાથે કનેક્ટ કરવા યુકેના એરપોર્ટનો ઉપયોગ કરતા વિદેશી પ્રવાસીઓ પર લદાયેલો નવો 10 પાઉન્ડનો ચાર્જ રદ કરવા હિથ્રો એરપોર્ટે સરકારને અપીલ કરી છે. હિથ્રો એરપોર્ટના સત્તાવાળાઓએ ચેતવણી આપી છે કે આ ટ્રાન્ઝિટ ફીના કારણે યુકેના વિમાનીમથકોને યુરોપના વિમાનીમથકો સાથેની સ્પર્ધામાં નુકસાન થશે. સરકારે નવેમ્બર 2023માં કતારથી યુકે આવતા પ્રવાસીઓ પર ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન ચાર્જ લાદ્યો હતો. 2024માં અત્યાર સુધીમાં અન્ય દેશોના પ્રવાસીઓ પર પણ આ ચાર્જ લદાયો છે. તે અંતર્ગત યુકેમાં પ્રવેશતા વિદેશીઓએ 10 પાઉન્ડની ફી ચૂકવવી પડે છે. આ ફી ફક્ત યુકે આવતી ફ્લાઇટોના પ્રવાસીઓને જ નહીં પરંતુ યુકેના એરપોર્ટ પર કનેક્ટિંગ ફ્લાઇટ માટે બે કલાક કરતાં વધુ સમય રાહ જોનાર પ્રવાસીને પણ ચૂકવવી પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter