લંડનઃ લંડનમાં રહેતા ભારતીય મૂળના ચેસ પ્રતિભાશાળી બાળ ખેલાડી સુપ્રતિત બેનર્જીએ માત્ર 12 વર્ષની વયે બ્રિટનના સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બનીને ઈતિહાસ રચ્યો છે. ભારતના રાંચીમાં જન્મેલા અને બ્રિટનમાં ઉછરેલા સુપ્રતિતે 2026ની બ્રિટિશ ચેસ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરતા 9માંથી 6 પોઈન્ટ મેળવીને પોતાનો ત્રીજો અને અંતિમ ઈન્ટરનેશનલ માસ્ટર નોર્મ હાંસલ કર્યો હતો. ત્યારબાદ સ્વીડનમાં રમાયેલી સ્પર્ધામાં તેણે સ્ટાન્ડર્ડ ફાઇડ રેટિંગ 2400નો આંકડો પાર કરીને આ ખિતાબ પોતાના નામે કર્યો હતો. હાલમાં તેમનું ક્લાસિકલ રેટિંગ 2420 છે. ગ્રાન્ડમાસ્ટર પછી ચેસ જગતમાં ઈન્ટરનેશનલ માસ્ટરનો ખિતાબ સૌથી પ્રતિષ્ઠિત ગણાય છે જે મેળવવામાં સામાન્ય રીતે રમતવીરોને વર્ષોનો સમય લાગી જતો હોય છે. સુપ્રતિત સટન ગ્રામર સ્કૂલ ખાતે ધોરણ 8માં અભ્યાસ કરે છે. તે દર અઠવાડિયે ચેસની તાલીમ માટે લગભગ 20 કલાક ફાળવે છે અને સ્કૂલના હોમવર્ક તથા રમત વચ્ચે સંતુલન જાળવે છે. તેણે જણાવ્યું હતું કે, આક્રમણ કરતી વખતે તમારી પાસે ગમે તેટલા પ્યાદા હોય પરંતુ હુમલાને સફળ બનાવવા માટે તમારી પાસે પૂરતી સંખ્યામાં મુખ્ય મોહરા હોવા જરૂરી છે.


