લંડન
યુકેમાં રાજ્યાશ્રય માગનારા પૈકીના 12000 વિદેશી નાગરિકોને પર્સનલ ઇન્ટર્વ્યુ વિના જ નિરાશ્રીતનો દરજ્જો આપવાની વિચારણા ચાલી રહી છે. જુલાઇ 2022માં યુકેમાં રાજ્યાશ્રય માટે અરજી કરનારા અફઘાનિસ્તાન, એરિટ્રિયા, લીબિયા, સીરિયા અને યમનના નાગરિકો માટે હોમ ઓફિસ દ્વારા 10 પાનાની પ્રશ્નાવલિ તૈયાર કરાઇ છે. તેના જવાબના આધારે આ લોકોને રાજ્યાશ્રયનો નિર્ણય લેવાશે. આ કાર્યવાહીનો મૂળ હેતૂ રાજ્યાશ્રયની અરજીઓના ભરાવાના નિકાલનો છે. હોમ ઓફિસે જણાવ્યું હતું કે, આ રાજ્યાશ્રયની કાર્યવાહીમાંથી મુક્તિ નથી પરંતુ અમે પાંચ દેશના નાગરિકો માટે પ્રક્રિયાને સરળ બનાવી રહ્યાં છીએ. આ દેશોના અરજકર્તાઓમાંથી 95 ટકાના રાજ્યાશ્રયના દાવાને સ્વીકારી લેવામાં આવે છે.
હોમ ઓફિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સિક્યુરિટી, ક્રિમિનલ તપાસની સાથે સાથે બાયોમેટ્રિક લેવાની કાર્યવાહી યથાવત છે. પહેલીવાર તેમને પર્સનલ ઇન્ટર્વ્યુ માટે બોલાવવામાં આવી રહ્યાં નથી. તેના સ્થાને અરજકર્તાએ 10 પાનાની પ્રશ્નાવલિમાં રહેલા 40 સવાલના જવાબ મોકલી આપવાના રહેશે. સવાલના જવાબ અંગ્રેજીમાં જ આપવાના રહેશે અને તે માટે 20 દિવસનો સમય અપાશે. જો 20 દિવસમાં સવાલના જવાબ હોમ ઓફિસને નહીં મળે તો તેમણે રાજ્યાશ્રયની અરજી પાછી ખેંચી લીધી છે તેમ માની લેવામાં આવશે.


