15 જુલાઇથી ભારત-યુકે વચ્ચેનો મુક્ત વેપાર કરાર અમલમાં

સસ્તી કારથી લઈને સ્કોચ પર ટેરિફ કાપ સુધીની 7 મહત્વની જોગવાઈ

Tuesday 23rd June 2026 10:08 EDT
 
 

લંડનઃ ભારત અને યુકે વચ્ચેનો મુક્ત વેપાર કરાર 15 જુલાઈથી અમલમાં આવશે. બંને દેશો વચ્ચે એકબીજાના બજાર ખુલ્લા મૂકવા, ટેરિફ ઘટાડવા અને માલસામાન તેમજ સેવાઓ ક્ષેત્રે સહયોગ વધુ ગાઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ કરાર દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં એક મોટો સીમાચિહ્નરૂપ સાબિત થશે.

આ કરારથી ભારતીય નિકાસકારો માટે 500 બિલિયન ડોલરથી વધુનું બજાર ખુલવાની અપેક્ષા છે. વર્તમાન વેપાર પરિસ્થિતિઓની તુલનામાં ભારતને લગભગ 7 થી 10 ટકા જેટલો ટેરિફ લાભ મળશે, તેમજ તબક્કાવાર ઉદારીકરણ શેડ્યૂલ હેઠળ 99 ટકાથી વધુ ટેરિફ લાઇન પર લાંબા ગાળે ડ્યુટી નાબૂદ કરવામાં આવશે. મોટાભાગની પ્રોડક્ટ્સ પર ડ્યુટી સમય જતાં શૂન્ય થઈ જશે. ઓટોમોટિવ જેવા અમુક પસંદગીના ઔદ્યોગિક ક્ષેત્રો આયાતને નિયંત્રિત કરવા માટે કોટા નિયંત્રણ હેઠળ રહેશે.

ઓટોમોટિવ સેક્ટર માટેની પ્રતિબદ્ધતાઓ

ભારત આગામી 15 વર્ષના ગાળામાં કોટા સિસ્ટમ હેઠળ યુકેથી 3.78 લાખ પેટ્રોલ અને ડીઝલ પેસેન્જર વાહનોની તબક્કાવાર આયાતની મંજૂરી આપશે. પસંદગીની શ્રેણીઓમાં આયાત ડ્યુટી હાલના આશરે 110 ટકાથી ઘટીને અમલીકરણના ગાળા દરમિયાન 10 ટકા સુધી આવી જશે. ઇલેક્ટ્રિક, હાઇબ્રિડ અને હાઇડ્રોજન સંચાલિત વાહનોને છઠ્ઠા વર્ષથી મર્યાદિત પ્રવેશ આપવામાં આવશે. ભારતમાં સ્થાનિક ઇવી ઉદ્યોગના રક્ષણ માટે ચોક્કસ કિંમત મર્યાદાથી નીચેના માસ-માર્કેટ ઇલેક્ટ્રિક વાહનોને આ છૂટછાટોમાંથી બહાર રાખવામાં આવ્યા છે.

વ્હિસ્કી અને સ્પિરિટ્સ પર ટેરિફ

આ કરાર હેઠળ યુકેથી આયાત થતી વ્હિસ્કી અને જિન પરની આયાત ડ્યુટીમાં મોટો ઘટાડો થશે. શરૂઆતમાં ટેરિફ 150 ટકાથી ઘટાડીને 75 ટકા અને કરારના દસમા વર્ષ સુધીમાં તે 40 ટકા સુધી લાવવામાં આવશે. ઇન્ટરનેશનલ સ્પિરિટ્સ એન્ડ વાઇન્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર ભારતમાં બોટલિંગ અને બ્લેન્ડિંગ માટે આયાત કરવામાં આવતા બલ્ક સ્કોચ પર ઓછી ડ્યુટીથી સ્થાનિક ઉદ્યોગોને ફાયદો થશે અને ગ્રાહકો માટે પસંદગીના વિકલ્પો વધશે.

સ્ટીલ સેક્ટર માટે સેફગાર્ડ્સ

બ્રિટનના સ્ટીલ સેક્ટર માટેના સેફગાર્ડ પગલાં અંગેની ભારતની ચિંતાઓનું અંતિમ કરારમાં નિવારણ કરવામાં આવ્યું છે. ભારતની આશરે 85 ટકા સ્ટીલ નિકાસને પ્રતિબંધાત્મક પગલાંના દાયરામાંથી બહાર રાખવામાં આવશે અને 188 ટેરિફ લાઇન પર છૂટછાટો મેળવવામાં આવી છે.

પ્રોફેશનલ્સ માટે સોશિયલ સિક્યોરિટી એગ્રીમેન્ટ

ડબલ કન્ટ્રીબ્યુશન કન્વેન્શન હેઠળ યુકેમાં કામચલાઉ ધોરણે નિયુક્ત થતા ભારતીય વ્યાવસાયિકોને 5 વર્ષ સુધી સોશિયલ સિક્યોરિટી કન્ટ્રીબ્યુશનમાંથી મુક્તિ આપવામાં આવશે. આ વ્યવસ્થાથી ભારતીય આઈટી અને સર્વિસ કંપનીઓ પર ખર્ચનું ભારણ ઘટશે અને તેમની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધશે.

સર્વિસ સેક્ટર અને મૂડી રોકાણ

ઇન્ફર્મેશન ટેકનોલોજી, નાણાકીય સેવાઓ, શિક્ષણ અને પ્રોફેશનલ કન્સલ્ટિંગ સહિતના સર્વિસ સેક્ટરમાં આ કરારથી મોટો ઉછાળો આવવાની ધારણા છે. આ સાથે જ બંને દેશો વચ્ચે રોકાણનો પ્રવાહ પણ વધુ મજબૂત બનશે. હાલમાં 900થી વધુ ભારતીય કંપનીઓ યુકેમાં કાર્યરત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter