લંડનઃ 15 વર્ષીય શ્રેયસ રોયલ સૌથી યુવા વયનો બ્રિટિશ ગ્રાન્ડ માસ્ટર બન્યો છે. હલ ખાતે આયોજિત બ્રિટિશ ચેસ ચેમ્પિયનશિપમાં શ્રેયસે આ ટાઇટલ હાંસલ કર્યું હતું. તેણે 2007માં 16 વર્ષની વયે બ્રિટિશ ગ્રાન્ડ માસ્ટર બનેલા ડેવિડ હોવેલનો સૌથી યુવા બ્રિટિશ ગ્રાન્ડ માસ્ટર બનવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
શ્રેયસ માટે આ ટાઇટલ ઘણી મોટી સિદ્ધી છે. અગાઉની ટુર્નામેન્ટોમાં તે બહુ નજીવા અંતરથી આ ટાઇટલ ચૂકી ગયો હતો. ટાઇટલ જીતવા માટે ખેલાડીએ 3 નોર્મ્સ જીતવા પડે છે. શ્રેયસે નવેમ્બર 2022માં બવેરિયન ઓપન ખાતે પ્રથમ નોર્મ હાંસલ કર્યું હતું.
સાઉથઇસ્ટ લંડનના વૂલવિચ આર્સેનલ ખાતે રહેતા શ્રેયસના પિતા જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતદું કે, મને શ્રેયસ માટે ઘણું ગૌરવ છે. તે આ મહાન સિદ્ધી હાંસલ કરવા ઘણા વર્ષોથી મહેનત કરી રહ્યો હતો.
શ્રેયસ માટે આ સિદ્ધી સહેલી નહોતી. 2018માં તેના પિતાના વર્ક વિઝા પૂરા થઇ જવાના કારણે તેમના પરિવારને ભારત પરત જવું પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. નવા વિઝા માટે જિતેન્દ્ર સિંહનો પગાર મર્યાદામાં ન આવતો હોવાના કારણે તેમની પાસે અન્ય કોઇ વિકલ્પ નહોતો. પરંતુ ઇંગ્લિશ ચેસ ફેડરેશને તત્કાલિન ઇમિગ્રેશન મિનિસ્ટર કેરોલિન નોક્સને પત્ર લખી આ પરિવારને બ્રિટનમાં રહેવા વિશેષ મંજૂરીની માગ કરી હતી. પરંતુ તેમણે ઇનકાર કરી દીધો હતો. તેથી તત્કાલિન હોમ સેક્રેટરી સાજિદ જાવિદનો સંપર્ક કરાયો હતો અને શ્રેયસની અસામાન્ય ટેલેન્ટને ધ્યાનમાં રાખીને તેમણે મંજૂરી આપી હતી.


