16 અને 17 વર્ષના સગીરો માટે સોશિયલ મીડિયા નાઇટ કર્ફ્યુ લાદવાની દરખાસ્ત

આ વયજૂથના સગીરો મધ્યરાત્રિથી સવારના 6 કલાક સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં

Tuesday 21st July 2026 10:37 EDT
 

લંડનઃ સરકાર દ્વારા 16 અને 17 વર્ષના સગીરો માટે ટૂંક સમયમાં જ સોશિયલ મીડિયા નાઇટ કર્ફ્યુ લાગુ કરવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. નવી યોજના અંતર્ગત સંબંધિત વયજૂથના યુઝર્સ માટે મધ્યરાત્રિથી સવારના 6 કલાક સુધી સોશિયલ મીડિયા એક્સેસ બંધ કરવા માટે ડિફોલ્ટ સેટિંગ્સ દાખલ કરાશે. આ ઉપરાંત યુઝર્સને પ્લેટફોર્મ પર લાંબો સમય વ્યસ્ત રહેતા અટકાવવા તૈયાર કરાયેલા અન્ય ફીચર્સ જેવા કે ઇન્ફિનિટ સ્ક્રોલિંગ અને અલ્ગોરિધમ આધારિત કન્ટેન્ટ ફીડ્સ પણ ડિફોલ્ટ રૂપે બંધ કરાશે.

ટેક્નોલોજી સેક્રેટરી લિઝ કેન્ડલે જણાવ્યું હતું કે, યુવાનો પૂરતી ઊંઘ લઈ શકે, શાળા અને કોલેજના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તેમજ પરિવાર અને મિત્રો સાથે સકારાત્મક ગુણવત્તાયુક્ત સમય વિતાવી શકે તે માટે આ પગલાં અત્યંત નિર્ણાયક સાબિત થશે.

સરકારના જણાવ્યા અનુસાર, રાત્રિના સમયે સોશિયલ મીડિયાના ઉપયોગ પર મર્યાદા મૂકવાથી કિશોરોની ઊંઘની ગુણવત્તા અને એકાગ્રતામાં સુધારો થઈ શકે છે. આ પહેલાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની યોજના પણ જાહેર કરવામાં આવી છે, જે આગામી સ્પ્રિંગથી અમલમાં આવે તેવી સંભાવના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter