16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધનો પ્રસ્તાવ ત્રીજી વખત ફગાવાયો

લોર્ડ નેશના સુધારાની તરફેણમાં 161 અને વિરુદ્ધમાં 260 મત

Wednesday 29th April 2026 07:02 EDT
 

લંડનઃ યુકેમાં 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધના પ્રસ્તાવને સાંસદોએ ત્રીજી વખત ફગાવી દીધો છે. સાંસદોએ ચિલ્ડ્રન્સ વેલબીઈંગ એન્ડ સ્કૂલ્સ બિલમાં સુધારાને 260 વિરુદ્ધ 161 મત એટલે કે 99 મતની બહુમતીથી ફગાવી દીધો હતો. એજ્યુકેશન મિનિસ્ટર ઓલિવિયા બેઈલીએ કોમન્સને જણાવ્યું હતું કે સોશિય મીડિયા સાથે સંકળાયેલા નુકસાનને હલ કરવાની કોઈ પણ યોજના અમલી બનાવાય તે પહેલા કન્સલ્ટેશન એક માર્ગ રહે છે.

લોર્ડ નેશ દ્વારા રજૂ કરાયેલી દરખાસ્તના એક ભાગ મુજબ 16 વર્ષથી નાના બાળકો માટે પાગલપણા, વળગણયુક્ત અથવા અન્ય નુકસાનકારી વર્તણૂકનું જોખમ સર્જે તેવા સોશિયલ મીડિયા ટૂલ્સ અથવા વેબસાઈટનો ઉપયોગ પ્રતિબંધિત કરાવો જોઈએ. આ ઉપરાંત, ગંભીર નુકસાન, મેનિપ્યુલેશન અથવા શોષણ અથવા અતિશય પોર્નોગ્રાફી અને શસ્ત્રોના વેચાણને પ્રદર્શિત કરે તેવા ગેરકાયદે વિષયના ફીચર્સ પણ પ્રતિબંધિત કરાવા જોઈએ. ઉલ્લેખનીય છે કે હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા આ દરખાસ્તને સમર્થન અપાયું છે.

દરમિયાન, મિનિસ્ટરોએ આગામી મહિને સમાપ્ત થનારી કન્સલ્ટેશન પ્રક્રિયા પછી કોઈ કાર્યવાહી કરવાની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી. બંને ગૃહો વચ્ચે સર્જાયેલી મડાગાંઠ પછી સાંસદોએ 16 વર્ષથી નાની વયના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતે કર્ફ્યુનો અમલ, સ્ક્રોલિંગ મર્યાદા, ચોક્કસ પ્લેટફોર્મ્સ પ્રતિબંધિત કરવા સહિત સરકારને ફ્લેક્સિબલ સત્તા આપવાને સમર્થન કર્યું છે. હાઉસ ઓફ લોર્ડ્સે ચિલ્ડ્રન્સ વેલબીઈંગ એન્ડ સ્કૂલ્સ બિલમાં વયમર્યાદા દાખલ કરવા સરકારને 12 મહિનાની સમયમર્યાદા જારી કરવા સાથે 16 વર્ષથી નાની વયના માટે રક્ષણાત્મક પગલાની તાકીદ પણ કરી હતી.

હાઉસ ઓફ લોર્ડ્સની ચોથી વખત પ્રતિબંધની તરફેણ

હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા 16 વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધની તરફેણમાં સતત ચોથી વખત મતદાન કર્યું હતું. ચિલ્ડ્રન્સ વેલબીઈંગ એન્ડ સ્કૂલ્સ બિલમાં પૂર્વ કન્ઝર્વેટિવ મિનિસ્ટર લોર્ડ નેશના સુધારાની તરફેણમાં 316 વિરુદ્ધ 165ના મત એટલે કે 151 મતની સરસાઈ સાથે મત આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાઉસ ઓફ કોમન્સ દ્વારા બે દિવસ અગાઉ જ ત્રીજી વખત પ્રતિબંધના સુધારાને ફગાવી દીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter