16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધનો પ્રસ્તાવ બીજીવાર ફગાવાયો

હાઉસ ઓફ કોમન્સમાં મતદાનમાં તરફેણમાં 256 અને વિરોધમાં 150 મત પડ્યા

Tuesday 21st April 2026 12:15 EDT
 
 

લંડન: બ્રિટનમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્તને સાંસદોએ બીજી વખત ફગાવી દીધી છે. વિપક્ષી સાંસદો અને હાઉસ ઓફ લોર્ડ્સના સભ્યો દ્વારા ઓનલાઈન નુકસાનથી બાળકોને બચાવવા માટે 'ઓસ્ટ્રેલિયા સ્ટાઇલ'ના સંપૂર્ણ પ્રતિબંધની માંગ કરવામાં આવી રહી હતી, પરંતુ સરકારે તેના સ્થાને 'ફ્લેક્સિબલ પાવર' પર ભાર મૂક્યો છે.

બાળકોને સોશિયલ મીડિયાના જોખમોથી બચાવવાની યોજના પર મતદાન દરમિયાન સરકારની તરફેણમાં 256 અને વિરોધમાં 150 મત પડ્યા હતા. આમ, 106 મતની બહુમતી સાથે સરકારે પોતાની યોજના પર મહોર લગાવી છે.

ચિલ્ડ્રન્સ વેલબીઈંગ એન્ડ સ્કૂલ્સ બિલ અંતર્ગત સરકાર પાસે હવે બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગને નિયંત્રિત કરવા માટે વિશેષ સત્તાઓ હશે, જેમાં સોશિયલ મીડિયા માટે કર્ફ્યુનો અમલ, સ્ક્રોલિંગ મર્યાદા નક્કી કરવી, લોકેશન શેરિંગ પર પ્રતિબંધ અને ચોક્કસ પ્લેટફોર્મ્સ પરથી 16 વર્ષથી ઓછી વયના બાળકોને બ્લોક કરવા જેવા પગલાંનો સમાવેશ થાય છે.

ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી લોર્ડ નેશે સરકારના આ વલણ સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ઉંમર મર્યાદા 16 વર્ષ સુધી વધારીને જ આપણે આપણા બાળકોને યોગ્ય રીતે સુરક્ષિત કરી શકીએ છીએ. બીજી તરફ એજ્યુકેશન મિનિસ્ટર ઓલિવિયા બેઈલીએ આક્ષેપોને નકારતા કહ્યું હતું કે, બાળકોની ઓનલાઈન સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. અમે માત્ર પ્રતિબંધના એક સાંકડા વિચારને બદલે વ્યાપક સેવાઓ અને સુવિધાઓ પર ધ્યાન આપી રહ્યા છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter