લંડનઃ વડાપ્રધાન રિશી સુનાક 16 વર્ષથી નાના બાળકોને સોશિયલ મીડિયા દ્વારા થતા નુકસાનથી બચાવવા નવા નિયંત્રણો લાદવાની વિચારણા કરી રહ્યા છે. અહેવાલો અનુસાર સુનાક 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લાદે તેવી પણ સંભાવના છે.
સરકાર દ્વારા ઓનલાઇન સેફ્ટી એક્ટ લાવવામાં આવ્યો છે જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે બાળકોને નુકસાનકારક કન્ટેન્ટથી સંરક્ષણ આપવાનું ફરજિયાત કરાયું છે. આ કાયદાનું ઉલ્લંઘન કરનાર કંપનીને તેની વૈશ્વિક આવકના 10 ટકા જેટલો દંડ કરવાની પણ આ કાયદામાં જોગવાઇ છે. તેમ છતાં સરકાર હવે આ દિશામાં વધુ કડક પગલાં લેવા વિચારણા કરી રહી છે.
આ મામલામાં નવા વર્ષથી વિચારણા શરૂ કરાશે. સરકાર સોશિયલ મીડિયાના ઉપયોગ વખતે બાળકો કેવા જોખમમાં મૂકાય છે તે અંગે પણ સમીક્ષા કરશે. કેટલાક સૂત્રોએ જણાવ્યું હતું કે, 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની પણ વિચારણા ચાલી રહી છે. જોકે સરકારના પ્રવક્તાએ આ પ્રકારની વિચારણા ચાલી રહી હોવાનો ઇનકાર કર્યો હતો.


