17 નામધારી ઠગને જેલની સજા

Wednesday 23rd March 2022 05:45 EDT
 
 

લંડનઃ પોલીસ જેને 17 અલગ નામ સાથે સાંકળી રહી છે તેવા ક્રેનબ્રૂકના ‘સીરિયલ ફ્રોડસ્ટર’ જુબેર ચૌધરીને બે ઈન્સ્યુરન્સ કંપનીઓ સાથે બોગસ ઈન્સ્યુરન્સ ક્લેઈમ્સ થકી ઠગાઈના પ્રયાસ બદલ ઈનર લંડન ક્રાઉન કોર્ટે 6 મહિનાની જેલની સજા ફરમાવી છે. તેણે કરેલા ખોટા ક્લેઈમ્સ બાબતે હેસ્ટિંગ્સ ડાયરેક્ટ અને 1st સેન્ટ્રલને શંકા ગયા બાદ તેને ઝડપી લેવાયો હતો.

સિટી ઓફ લંડન પોલીસના ઈન્સ્યુરન્સ ફ્રોડ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (IFED) દ્વારા તપાસના પગલે જુબેર ચૌધરીને ખોટી રજૂઆતો બદલ જેલની સજા કરાઈ હતી. ચૌધરીએ ઓગસ્ટ 2017માં મારિયો વેલેન્ટિનો નામથી હેસ્ટિંગ્સ ડાયરેક્ટ પાસેથી કાર ઈન્સ્યુરન્સ પોલિસી લીધી હતી જેની અરજીમાં કોઈ ક્રિમિનલ સજા કરાઈ નથી અને 9 વર્ષના નો ક્લેઈમ્સ બોનસની રજૂઆત કરી હતી. ઓક્ટોબર મહિનામાં જ વીમા કંપનીને ચૌધરી સાથે અથડામણનો થર્ડ પાર્ટી ક્લેઈમ્સ મળ્યો હતો. ચૌધરીએ કથિત અકસ્માતનો ઈનકાર કર્યો હતો પરંતુ, અન્ય વ્યક્તિ સાથે અથડામણ અને પતાવટના નાણા ચૂકવી દીધાની રજૂઆત કરી હતી. ચૌધરીના નિવેદનો અને રેકોર્ડ્ંસ વચ્ચે કોઈ મેળ ખાતો ન હતો.

અકસ્માતની પોલીસ તપાસમાં ચૌધરીની કારનો વીમો 1st સેન્ટ્રલ કંપની પાસે હોવાનું પણ બહાર આવ્યું હતું. આ વીમો તેણે કાર્લોસ ડોઈરના નામે લીધો હતો. તેણે કારના રિપેરિંગ અને પેઈન્ટ વર્ક માટે 2,250 પાઉન્ડનો ક્લેઈમ કર્યો હતો.

પોલીસ નેશનલ કોમ્પ્યુટરે ચૌધરીને અલગ 17 નામ સાથે સાંકળ્યો હતો અને તે ગેરલાયક ઠરાવાયો હોવાં છતાં ડ્રાઈવિંગ કરતો હતો અને તેને પાંચ વર્ષ અગાઉ આવા જ ગુનાસર દોષિત ઠરાવાયો હોવાનું બહાર આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter