લંડન
વડાપ્રધાન રિશી સુનાકે ગયા સપ્તાહમાં ઇસ્ટ લંડન ખાતે કરેલા એક સંબોધનમાં પોતાનો પોલિસી એજન્ડા જાહેર કરતાં જનતાને તેમની પાંચ મહત્વની પ્રતિજ્ઞાના આધારે તેમની કામગીરીની સમીક્ષા કરવા અપીલ કરી હતી. તેમણે રેકોર્ડ સ્તરે પહોંચેલા ફુગાવા, એનએચએસની વ્યવસ્થામાં વ્યાપેલી અંધાધૂંધી અને વ્યાપક હડતાળો મધ્યે નવા વર્ષમાં જનતાને માનસિક શાંતિનું આશ્વાસન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તમામ પડકારો છતાં આપણે તેને પાર પાડી શકીશું. અન્યો ભલે બદલાવની વાતો કરતા હોય પરંતુ હું કામ કરીને બતાવીશ. હું તમને ખોટી આશાઓ કે અધકચરા ઉપાયો આપીશ નહીં. જનતા મને મેં લીધેલી પાંચ પ્રતિજ્ઞાના આધારે મૂલ્યાંકન કરીને જવાબદાર ઠરાવી શકે છે. મને વિશ્વાસ છે કે આપણે આ પ્રતિજ્ઞાઓ પૂરી કરી શકીશું.
બુધવારે આપેલા સંબોધનમાં સુનાકે જણાવ્યું હતું કે, આજે વિશ્વમાં ડેટાની બોલબાલા છે અને સ્ટેટિસ્ટિક્સ દરેક નોકરીમાં આવશ્યક થઇ ગયું છે ત્યારે આ કુશળતા વિના આપણા બાળકો વિશ્વમાં પીછેહઠ કરી રહ્યાં છે. આપણે હવે આગળ વધવાની જરૂર છે. હું આપણી શિક્ષણ વ્યવસ્થામાં ગણિતને કેન્દ્રસ્થાને લાવવા માગું છું. તેનો અર્થ એ થતો નથી કે હું દરેક માટે ગણિત ફરજિયાત કરવા માગું છું પરંતુ સરકાર એવી વ્યવસ્થા કરવા માગે છે કે 18 વર્ષ સુધી વિદ્યાર્થી કોઇને કોઇ પ્રકારે ગણિતનો અભ્યાસ કરતો રહે. ગણિત લોકો માટે ઘણા વિકલ્પો ખુલ્લા મૂકશે.
હડતાળનો અધિકાર લોકોના જીવનના અધિકાર સાથે સંતુલિત હોવો જોઇએ - સુનાક
સુનાકે હાલમાં ચાલી રહેલી હડતાળો પર જણાવ્યું હતું કે, સરકાર જાહેર ક્ષેત્રના કર્મચારીઓનું મહત્વ સમજે છે. તેઓ મહત્વના કામ કરી રહ્યાં છે. તેથી અમે તેમની સાથે દેશ માટે યોગ્ય અને જવાબદાર એવી વ્યાજબી મંત્રણા કરવા માગીએ છીએ. સરકાર આગામી સમયમાં હડતાળ પર કાયદો લાવવા માગે છે જેથી તેની અસરો હળવી કરી શકાય. હડતાળનો અધિકાર બ્રિટિશ જનતાના અધિકાર સાથે સંતુલિત હોવો જોઇએ જેથી જનતા કોઇપણ પરેશાની વિના જીવન જીવી શકે. નવા કાયદા જનતાના જીવન અને રોજગારીને સુરક્ષિત કરશે.
આગામી વર્ષ સુધીમાં ફુગાવાનો દર અડધો કરવાનો લક્ષ્યાંક – સુનાક
રિશી સુનાકે જણાવ્યું હતું કે, આગામી વર્ષમાં સરકાર ફુગાવામાં 50 ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. કોરોના મહામારી અને યુક્રેન યુધ્ધના કારણે વારસામાં મોંઘવારી મળી છે પરંતુ સરકાર તેને બહાનુ બનાવી રહી નથી.
અર્થતંત્રને વધુ વેગવંતુ બનાવાશે – સુનાક
વડાપ્રધાને જણાવ્યું હતું કે, સરકાર અર્થતંત્રને વેગવંતુ બનાવવા પ્રતિબદ્ધ છે. સરકાર સમગ્ર દેશમાં સારા વેતન ધરાવતી નોકરીઓ અને તકોના સર્જન માટે પ્રતિજ્ઞા લે છે. આપણું અર્થતંત્ર ઝડપથી વિકાસ કરે અને લોકોને સારું વેતન આપતી નોકરીઓ અને તકો મળે તેમાં જ સારું ભવિષ્ય છે. હું બ્રિટનને વિજ્ઞાન,ટેકનોલોજી અને ઉદ્યોગ સાહસિકતાનો ધ્વજધારક બનાવવા માગું છું. સરકાર ઉત્પાદકતા વધારવા અને નોકરીઓનું સર્જન કરવા ઇચ્છે છે.
વર્કિંગ પીપલને કરવેરામાં રાહત આપવાનું આશ્વાસન
સુનાકે જણાવ્યું હતું કે, સારા ભવિષ્ય માટે લોકોએ આકરો પરિશ્રમ કરવો પડશે. હું માનુ છું કે સારું વેતન ધરાવતી નોકરીઓ આર્થિક સુરક્ષા કરતાં વધુ મહત્વની છે. આ પ્રકારની નોકરીઓ લોકોને આત્મવિશ્વાસ અને ગૌરવ અપાવે છે. હું એમ પણ માનુ છું કે જો તમે આકરી મહેનત કરો અને નિયમોનું પાલન કરો છો તો તમને તેનું વળતર મળે છે. સરકાર વર્કિંગ પીપલ પરના કરવેરાનો ભાર હળવો કરી શકે છે.
રિશી સુનાકે બ્રિટિશ જનતાને આપેલા વચન
1 ફુગાવાના દરને અડધો કરાશે
2 હડતાળો નિયંત્રિત કરવા કાયદા ઘડાશે
3 રાષ્ટ્રીય દેવામાં ઘટાડો કરાશે
4 એનએચએસમાં વેઇટિંગ લિસ્ટ ઘટાડાશે
5 નાની હોડીઓ દ્વારા થતી ઘૂસણખોરી અટકાવવા નવા કાયદા
6 18 વર્ષની ઉંમર સુધી વિદ્યાર્થીઓને ગણિત શીખવાશે
7 સડકો પર વધુ પોલીસ કર્મચારી તહેનાત કરાશે


