19 સમૃદ્ધ દેશોમાં યુકેની હેલ્થ કેર સિસ્ટમ સૌથી બદતર સ્થિતિમાં

એનએચએસમાં ડોક્ટર, નર્સ, બેડ, સીટી સ્કેનર, એમઆરઆઇ સ્કેનરની તીવ્ર અછત

Tuesday 27th June 2023 13:51 EDT
 
 

લંડનઃ બ્રિટનની હેલ્થકેર સિસ્ટમ ખાડે ગઇ હોવાનો વધુ એક પુરાવો એક આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં મળ્યો છે. જાણીતી થિન્ક ટેન્ક કિંગ્સ ફંડ દ્વારા 19 મોટા દેશોની હેલ્થ કેર સિસ્ટમનો અભ્યાસ કરાયો અને તેમાં સૌથી બદતર સિસ્ટમ યુકે અને અમેરિકાની હોવાનું સામે આવ્યું છે. દર્દીઓના જીવન બચાવવાના મામલામાં યુકેની હેલ્થ કેર સિસ્ટમ છેલ્લેથી બીજા સ્થાને રહી હતી. સૌથી બદતર સ્થિતિ અમેરિકામાં છે. સ્ટ્રોકના દર્દીઓને બચાવવાના મામલામાં યુકેની હેલ્થકેર સિસ્ટમ સૌથી બદતર પૂરવાર થઇ છે જ્યારે હાર્ટ એટેકના મામલામાં છેલ્લેથી બીજા સ્થાને રહી છે.

આયુષ્યના મામલામાં પણ યુકેમાં આ 19 દેશોમાં સૌથી ઓછું આયુષ્ય રહ્યું છે. મહિલાઓના આયુષ્યના મામલામાં અમેરિકા સૌથી બદતર જ્યારે પુરુષોના આયુષ્યના મામલામાં અમેરિકા અને પોર્ટુગલ સૌથી બદતર પૂરવાર થયાં છે. નાગરિકોને તંદુરસ્ત રાખવાના મામલામાં સૌથી બદતર દેશો અમેરિકા, પોર્ટુગલ અને યુકે રહ્યાં છે.

રિસર્ચરના જણાવ્યા અનુસાર અન્ય સમૃદ્ધ દેશોની સરખામણીમાં યુકેની એનએચએસમાં ડોક્ટર, નર્સ અને બેડની તીવ્ર અછત પ્રવર્તી રહી છે. એનએચએસમાં સીટી સ્કેન અને એમઆરઆઇ સ્કેનર્સની પણ તીવ્ર અછત વર્તાઇ રહી છે. અમેરિકામાં પ્રતિ વ્યક્તિ પાંચ ગણા સ્કેનર છે જ્યારે જર્મનીમાં પ્રતિ વ્યક્તિ ચાર ગણા સ્કેનર છે.

ઇંગ્લેન્ડમાં એનએચએસનું વેઇટિંગ લિસ્ટ 7.4 મિલિયન પર પહોંચી ગયું છે. રિશી સુનાકે વેઇટિંગ લિસ્ટમાં ઘટાડા માટેના પગલાં જાહેર કર્યા પછી વેઇટિંગ લિસ્ટમાં 2,20,000નો વધારો થયો છે.

તાત્કાલિક સારવાર ન મળતા હૃદયરોગના કારણે એક લાખ અકાળે મોતના મુખમાં ધકેલાયાં

એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે હૃદયરોગના કારણે થતા મોતમાં પ્રતિ સપ્તાહ 500નો વધારો નોંધાયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે કોરોના મહામારીના કારણે એનએચએસ પર વધી ગયેલા  ભારણને કારણે કટોકટી ઘેરી બની છે. સરકારી આંકડાના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે 2020ની વસંતથી અત્યાર સુધીમાં 1,00,000 જેટલા વધુ મોત હૃદયરોગના કારણે નોંધાઇ ચૂક્યાં છે. એનએચએસમાં હૃદયરોગની સારવારમાં પ્રવર્તતી અંધાધૂંધી, એમ્બ્યુલન્સની સુવિધા મળવામાં વિલંબે હાર્ટ એટેક અને સ્ટ્રોકના દર્દીઓને કટોકટીમાં ધકેલી દીધાં છે. ફેબ્રુઆરી 2020થી અત્યાર સુધીમાં તાત્કાલિક સારવાર ન મળતાં 96,540 વધારાના દર્દીઓ  અકાળે મોતના મુખમાં ધકેલાઇ ગયાં હતાં.

એનએચએસ દ્વારા ધુમ્રપાન કરનારના ફેફસાંના ટેસ્ટ કરાશે

એનએચએસ દ્વારા કેન્સરના રોગીઓને મોતના મુખમાં ધકેલાતા અટકાવવા માટે જીવનમાં ગમે ત્યારે ધુમ્રપાન કરનારા વ્યક્તિને ફેફસાના ટેસ્ટની સુવિધા આપવાનો નિર્ણય લેવાયો છે. સરકાર આ માટે સુપરમાર્કેટ કાર પાર્કિંગમાં મોબાઇલ યુનિટ અને ટ્રકમાં સીટી સ્કેનની સુવિધા શરૂ કરશે. આ પ્રકારના ટેસ્ટ દ્વારા ફેફસાના કેન્સરનું પ્રથમ અથવા બીજા સ્ટેજમાં જ નિદાન થતાં દર્દીને સમયસર સારવાર મળી રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter