લંડનઃ અમૃતસર હત્યાકાંડ તરીકે પણ ઓળખાતા 1919ના જલિયાંવાલા બાગ નરસંહાર બદલ સરકારે સત્તાવાર માફી માગવી જોઈએ તેવો અનુરોધ કરતા ટોરી સાંસદ બોબ બ્લેકમેને જણાવ્યું હતું કે 100 વર્ષ અગાઉનો હત્યાકાંડ સંસ્થાનવાદી બ્રિટિશ શાસન પર કાળા ધબ્બા સમાન છે. બ્રિટિશ ભારતીય આર્મીએ 1919ની 13 એપ્રિલે પંજાબના શહેર અમૃતસરમાં નિર્દોષ નાગરિકો પર ગોળીબાર કર્યા હતા જેમાં 300થી વધુ ભારતીયના મોત થયા હતા તેમજ 1200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
તત્કાલીન પ્રાઈમ મિનિસ્ટર થેરેસા મેએ 2019માં આ હત્યાકાંડને બ્રિટિશ-ભારતીય ઈતિહાસમાં ‘જખમના શરમજનક નિશાન’ તરીકગે ગણાવ્યો હતો પરંતુ, સત્તાવાર માફી માગી ન હતી. બેકબેન્ચ બિઝનેસ કમિટીના ચેરમેન કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેને આ હત્યાકાંડ માટે સત્તાવાર માફી માગવા લેબર સરકારને હાકલ કરી હતી.
સાંસદ બોબ બ્લેકમેને જણાવ્યું હતું કે 1919ની 13 એપ્રિલે પરિવારો જલિયાંવાલા બાગમાં શાંતિપૂર્વક આનંદ માણવા એકત્ર થયા હતા. આ સમયે બ્રિટિશ આર્મી વતી જનરલ ડાયરે લશ્કરી દળો સાથે આવી એમ્યુનિશન ખલાસ ન થાય ત્યાં સુધી નિર્દોષ લોકો પર ગોળીબાર કરતા રહેવાનો આદેશ આપ્યો હતો. આ હત્યાકાંડમાં 300થી વધુના મોત ઉપરાંત, 1200થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. બ્રિટિશ સામ્રાજ્ય પર કાળા ધબ્બા સમાન આ ઘટના માટે જનરલ ડાયરને કલંકિત ગણાવાયા હતા. બ્લેકમેને 13 એપ્રિલ આવી રહી છે ત્યારે સરકારે જાહેર નિવેદન થકી માફી માગવી જોઈએ.
કોમન્સના નેતા લ્યૂસી પોવેલે પણ કહ્યું હતું કે ફોરેન ઓફિસના મિનિસ્ટરોએ આ સાંભળ્યું હશે અને હત્યાકાંડની વરસી પહેલા તેમણે નિવેદન જાહેર કરવું જોઈએ.