1970ના દાયકામાં હું પણ વંશીય ભેદભાવનો શિકાર બન્યો હતો – નીલ બસુ

વંશીય ભેદભાવ ડામવાના પગલાંના અભાવ પર બસુએ ચિંતા વ્યક્ત કરી

Wednesday 07th December 2022 05:36 EST
 
 

લંડન

સ્કોટલેન્ડ યાર્ડના ભારતીય મૂળના સૌથી વરિષ્ઠ અધિકારી રહી ચૂકેલા નીલ બસુએ વંશીય ભેદભાવનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, 1970ના દાયકામાં હું પણ વંશીય ભેદભાવનો શિકાર બન્યો હતો. 30 વર્ષની લાંબી કારકિર્દી બાદ નિવૃત્ત થયેલા બસુએ પોલીસ વિભાગમાં વંશીય ભેદભાવ ડામવા માટેના પગલાંના અભાવ પર ચિંતા વ્યક્ત કરી હતી. બંગાળી ડોક્ટર પિતા અને વેલ્શ માતાના સંતાન એવા નીલ બસુનો જન્મ અને ઉછેર યુકેમાં થયો હતો.

પોતાની સાથે થયેલા વંશીય ભેદભાવના પ્રસંગોને યાદ કરતાં નીલ બસુ કહે છે કે ઇંગ્લેન્ડમાં મિક્સ રેસના યુગલો સાથે પણ વંશીય ભેદભાવ કરાતો હતો. 1960ના દાયકામાં મિક્સ રેસના યુગલોને પથ્થર મારવામાં આવતા હતા. મિક્સ રેસનું બાળક હોવાના કારણે 1970માં મને શાળામાં માર મારવામાં આવ્યો હતો.

નીલ બસુએ બ્રિટિશ રાજવી પરિવારની સભ્ય મેઘન મર્કેલ પર પણ યુકેમાં જીવનું જોખમ તોળાઇ રહ્યું હોવાનો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મેઘન મર્કેલને ધમકીઓ આપવામાં આવતી હતી અને અમે તેના માટે ધમકીઓ આપનારા સામે કાર્યવાહી પણ કરી હતી.

વંશીય ટિપ્પણીના કારણે પ્રિન્સ વિલિયમના ગોડમધરને રાજીનામુ આપવું પડ્યું

ક્વીન કોન્સોર્ટ કેમિલા દ્વારા બકિંગહામ પેલેસમાં આયોજિત એક મુલાકાતમાં એક અશ્વેત મુલાકાતી અંગે વંશીય ટિપ્પણી કરનાર પ્રિન્સ વિલિયમના ગોડમધર લેડી સુસાન હસ્સીને રાજીનામુ આપવાની ફરજ પડી હતી. સુસાન હસ્સીએ ક્વીન કોન્સોર્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા એક અશ્વેત બ્રિટિશ એક્ટિવિસ્ટને સવાલ કર્યો હતો કે તમે આફ્રિકાના કયા દેશના વતની છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter