લંડનઃ ઇનહેરિટ્ન્સ ટેક્સના નિયમોમાં પ્રસ્તાવિત બદલાવોના કારણે સિંગલ હોમઓનર પરિવારોને પેન્શન એજ પહેલાં મોત થાય તો પણ 80,000 પાઉન્ડ કરતાં વધુની ડેથ ડ્યુટી ચૂકવવી પડશે. એક ગણતરી પ્રમાણે ઇંગ્લેન્ડમાં 2,90,395 પાઉન્ડની કિંમતનું મકાન અને 4,15,000 પાઉન્ડનો પેન્શન પોટ ધરાવતા વર્કિંગ એજ સિંગલ હોમ ઓનરને ઇનહેરિટન્સ ટેક્સ પેટે 82,158 પાઉન્ડ ચૂકવવા પડશે. આ બદલાવ ચાન્સેલર રેચલ રીવ્ઝ દ્વારા ગયા ઓટમ બજેટમાં કરાયા હતા. તેનો અર્થ એ થયો કે હવે વણવપરાયેલી પેન્શનની બચતો પર પણ મૃત્યુની વયને ધ્યાનમાં લીધા વિના જ ઇનહેરિટન્સ ટેક્સ લાગશે.
હાલમાં 3,25,000 પાઉન્ડ કરતાં વધુની સંપત્તિ પર 40 ટકા ઇનહેરિટન્સ ટેક્સ લાગે છે. જો આ સંપત્તિ સીધા વારસને અપાય તો તેમાં વધારાનું 1,75.000 પાઉન્ડનું એલાઉન્સ હોય છે. જો પેન્શનધારકનું મોત 75 કરતાં ઓછી વયે થાય તો તેના પર ઇનહેરિટન્સ ટેક્સ લાગુ થતો નથી. જો 75 કરતાં વધુની વયે નિધન થાય તો લાભાર્થીએ વારસામાં મળેલા પેન્શન પર આવકવેરો ચૂકવવો પડે છે.


