લંડનઃ સરકાર બેક બેન્ચર સાંસદોના દબાણ સામે ઝૂકીને બે મિલિયન પાઉન્ડ કરતાં વધુ મૂલ્યના મકાનો પર વેલ્થ ટેક્સ લાગુ કરશે તો 1,50,000 મકાન માલિકોને વધારાનો બિલિયનો પાઉન્ડનો ટેક્સ ચૂકવવો પડશે. નબળી આર્થિક વૃદ્ધિ, વધી રહેલા દેવા અને 5 બિલિયન પાઉન્ડની કલ્યાણ યોજનાઓમાં યુ-ટર્નને પગલે ચાન્સેલર રેચલ રીવ્ઝ પર સરકારી તિજોરીમાં આવક વધારવાનું પ્રચંડ દબાણ છે. સરકાર અમીરો પર વેલ્થ ટેક્સ લાદીને સરકારી તિજોરી ભરવાનો પ્રયાસ કરે તેવી સંભાવના છે.
ટેક્સ જસ્ટિસ યુકે દ્વારા સમર્થિત લેબર સાંસદોએ અગાઉ 10 મિલિયન કરતાં વધુની સંપત્તિ ધરાવતા લોકો પર 2 ટકા વેલ્થ ટેક્સ લાદવાની માગ કરી હતી. જ્યારે યુનિયન યુનાઇટે 4 મિલિયનની સંપત્તિ ધરાવનારા પર 1 ટકો ટેક્સ નાખવાની માગ કરી છે.
જોકે આવકના જટિલ પ્રકારો અને અમીરો માટેના ટેક્સ માળખાના કારણે આ કાર્ય અત્યંત મુશ્કેલ છે. તે ઉપરાંત નિષ્ણાતોએ ચાન્સેલરને ચેતવણી આપી છે કે આ પ્રકારના પગલાંથી સરકારની આવકમાં પુરતો વધારો થઇ શકશે નહીં કારણ કે ઘણા અમીરો યુકેમાંથી સ્થળાંતર કરી જશે.