લંડનઃ યુકેમાં છેલ્લા એક વર્ષમાં પ્રાઇવેટ સ્કૂલની ફીમાં 22.6 ટકાનો વધારો નોંધાયો છે. ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલ્સ કાઉન્સિલના જણાવ્યા અનુસાર વેટમાં કરાયેલા બદલાવના કારણે પ્રાઇવેટ સ્કૂલમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઇ શકે છે પરંતુ સરકારની નવી નીતિની અસરો કેવી રહેશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે.
કાઉન્સિલે જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2025માં ડે સ્કૂલની સરેરાશ ટર્મ ફી 7382 પાઉન્ડ પહોંચી હતી જેમાં 20 ટકા વેટનો સમાવેશ થાય છે. જાન્યુઆરી 2024માં આ ફી 6021 પાઉન્ડ હતી. જોકે ટ્રેઝરીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ફક્ત વેટના કારણે ફીમાં વધારો થયો નથી. આ આંકડા વાસ્તવિક નથી.
ચાન્સેલર રીવ્ઝે જણાવ્યું હતું કે, પ્રાઇવેટ સ્કૂલની ફી પરના વેટની આવકથી સરકારી એજ્યુકેશન સેક્ટરની ક્વોલિટી સુધારી શકાશે. સરકારનું માનવું છે કે વેટના કારણે પ્રાઇવેટ સ્કૂલની ફીમાં 10 ટકાનો વધારો થશે અને ઘણી શાળાઓ આ બોજો વહન કરવા સક્ષમ છે.
કાઉન્સિલે જણાવ્યું છે કે પ્રાઇવેટ સ્કૂલ સેક્ટરને 3 પ્રકારના આંચકા સહન કરવા પડી રહ્યાં છે. નેશનલ ઇન્શ્યુરન્સમાં બદલાવ, ચેરિટેબલ બિઝનેસ રેટમાં મળતી રાહત બંધ થવી અને ફી પર 20 ટકાના વેટે પ્રાઇવેટ સેક્ટરની કમર તોડી નાખી છે.