લંડનઃ યુકેની લીગલ હિસ્ટ્રીના સૌથી મોટા મની લોન્ડરિંગ કેસમાં ચાર આરોપીને દોષી ઠેરવાયાં છે. ગ્રેગરી ફ્રેન્કેલ, ડેનિયલ રોસન, હારૂન રશિદ અને અર્જુન બબ્બરને 200 મિલિયન પાઉન્ડની ક્રિમિનલ કેશને સોનામાં પરિવર્તિત કરવા માટે દોષી ઠેરવાયાં છે. લીડ્સ ક્રાઉન કોર્ટ દ્વારા ગ્રેગરી ફ્રેન્કેલને 11 વર્ષ 8 મહિના, અર્જુન બબ્બરને 11 વર્ષ અને ડેનિયલ રોસનને 10 વર્ષ 10 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. જોકે રોસનને હવે સજાની સુનાવણી કરાશે અને તેને જ જેલમાં મોકલી શકાશે કારણ કે અન્ય 3 અપરાધી દેશ છોડીને ફરાર થઇ ગયાં છે.
2014થી 2016 વચ્ચે અપરાધીઓ દ્વારા બ્રેડફોર્ડ સ્થિત જ્વેલર્સ ફાઉલર ઓલ્ડફિલ્ડ અને હેટ્ટન ગાર્ડનમાં આવેલી કંપની પ્યોર નાઇન્સ લિમિટેડ ખાતે સમગ્ર યુકેમાંથી નાણા લાવીને એકઠાં કરાતાં હતાં. તેઓ કંપનીના બેન્ક ખાતા દ્વારા આ નાણા એકઠાં કરતાં અને તેનું સોનુ ખરીદીને દુબઇ મોકલી આપતા હતા. ફ્રેન્કેલ અને રોસન આ કંપનીના ડિરેક્ટર હતા.
કુરિયર સેવાઓ દ્વારા લાખો પાઉન્ડ રોકડમાં પણ અહીં લવાતા હતા. તેમની પાસે એટલી બધી રોકડ જમા થતી હતી કે તેને ગણવા માટે સ્પેશિયાલિસ્ટ મશીન લાવવામાં આવ્યા હતા.
ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના હાન્ના વોન ડેડલ્સઝેને જણાવ્યું હતું કે, આ કેસ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં મની લોન્ડરિંગના સૌથી મોટા કેસો પૈકીનો એક છે.