લંડનઃ હિન્દુ ચિત્રોના અદ્વિતિય સંગ્રહને બ્રિટનમાંથી બહાર લઇ જવા પર પ્રતિબંધ લાદી દેવાયો છે. ડિપાર્ટમેન્ટ ફોર કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સના જણાવ્યા અનુસાર દેવી મહાત્મ્યને દર્શાવતા આ ચિત્રોમાં હિન્દુ ધર્મની દૈવી માતાનું વિવરણ છે. આ સંગ્રહનું મૂલ્ય 2,80,000 પાઉન્ડ આંકવામાં આવે છે.
ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સંગ્રહમાં રખાયેલા 56 ચિત્રો કલાના અભ્યાસની મહત્વની તક પૂરી પાડે છે. યુકેમાંથી આ ચિત્રોને બહાર લઇ જવા પરનો પ્રતિબંધ યુકેની ગેલેરી અથવા સંસ્થાને દેશ માટે આ ચિત્રો રાખવાનો પુરતો સમય મળી રહેશે. આ ચિત્રોમાં ગોલ્ડ અને સિલ્વર પેઇન્ટનો ઉપયોગ કરાયો છે અને પૂજાથી માંડીને યુદ્ધો સુધીના દ્રશ્યો વર્ણવવામાં આવ્યાં છે. વિષ્ણુ અને શિવને દર્શાવતા આ ચિત્રો લગભગ 200 વર્ષ જૂના હોવાનું મનાય છે.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, યુકેમાં અન્ય આવો કોઇ ચિત્ર સંગ્રહન ઉપલબ્ધ નથી. આ ચિત્રો યુકે અને ભારતના પંજાબ વચ્ચેના સાંસ્કૃતિ સંબંધોની પણ યાદ અપાવે છે. યુકેમાં અત્યારે પાંચ લાખ કરતાં વધુ હિન્દુ વસવાટ કરે છે. આ ચિત્રો તેમને તેમની સંસ્કૃતિના અભ્યાસની તક આપે છે.
કલ્ચર મિનિસ્ટર બેરોનેસ ટ્વિક્રોસે જણાવ્યું હતું કે, આ ચિત્ર સંગ્રહ ન કેવળ સુંદર પરંતુ યુકેમાં તેના પ્રકારનો એક જ ચિત્ર સંગ્રહ છે. તેથી જ આ સંગ્રહ યુકેમાં જ રહે તે અત્યંત મહત્વનું છે. તેનાથી રિસર્ચર્સને વધુ અભ્યાસ કરવાની તક મળશે.


