લંડનઃ 2014 પહેલાં ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી હોય પરંતુ મહત્વનું ગણાતું ચેકિંગ ન કરાવ્યું હોય તેવા વાહનચાલકોને ચેતવણી અપાઇ છે કે તેઓ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. વાહનચાલકોને ચેતવણી આપવામાં આવી રહી છે કે તેમનું ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થઇ ગયું છે કે નહીં તેની ચકાસણી કરી લે. તે ઉપરાંત દર 10 વર્ષે વાહનચાલકે તેનો ફોટોગ્રાફ રિન્યૂ કરાવવાનો રહે છે.
એક્સપાયર થયેલું ડ્રાઇવર લાયસન્સ ડ્રાઇવર વ્હિકલ લાયસન્સિંગ એજન્સીને પરત નહીં કરવાથી રોડ ટ્રાફિક એક્ટ અંતર્ગત અપરાધ ગણાય છે અને તેના માટે 1000 પાઉન્ડ સુધીનો દંડ થાય છે. જેમની પાસે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય તેમને 1000 પાઉન્ડના દંડની સાથે વાહન જપ્તીનો પણ સામનો કરવો પડી શકે છે. ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ કરાવવાની ફી ફક્ત 14 પાઉન્ડથી શરૂ થાય છે જે દંડની સામે અત્યંત નજીવી રકમ છે.


