લંડનઃ સરકાર દ્વારા લેવાતાં પગલાંની ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ પર કોઇ અસર થઇ રહી નથી. 2025ના પ્રથમ મહિનામાં 1098 માઇગ્રન્ટ્સ ચેનલ પાર કરીને યુકે પહોંચ્યા હતા. સૌથી વધુ 45,755 માઇગ્રન્ટ્સ ચેનલ પાર કરીને વર્ષ 2022માં યુકે આવ્યા હતા. 2018થી અત્યાર સુધીમાં 1,50,000 કરતાં વધુ માઇગ્રન્ટ્સ નાની હોડીઓ દ્વારા યુકે પહોંચ્યા છે. જુલાઇ 2024માં યોજાયેલી ચૂંટણીમાં લેબર પાર્ટી સત્તા પર આવ્યા પછી 23,000 માઇગ્રન્ટ્સ આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રન્ટ્સના અંદાજ અનુસાર 2024માં 82 માઇગ્રન્ટ્સના ચેનલ પાર કરતી વખતે મોત થયાં હતાં. 2018થી અત્યાર સુધીમાં 243 માઇગ્રન્ટ્સ ચેનલ પાર કરવાના પ્રયાસમાં જીવ ગુમાવી ચૂક્યાં છે.