2019 પછી ફુજિત્સુને 3.4 બિલિયન પાઉન્ડના સરકારી કોન્ટ્રાક્ટ અપાયાં

હાઇકોર્ટે કંપનીનું હોરાઇઝન સોફ્ટવેર ખામીયુક્ત ગણાવ્યા છતાં કોન્ટ્ર્ક્ટની લહાણી

Tuesday 13th February 2024 12:33 EST
 
 

લંડનઃ સેંકડો સબ પોસ્ટમાસ્ટરોને ખોટી રીતે દોષી ઠેરવવાના મૂળમાં રહેલા હોરાઇઝન સોફ્ટવેરની નિર્માતા જાપાનની ટેકનોલોજી કંપની ફુજિત્સુને પોસ્ટ ઓફિસના મામલે કોર્ટના ચુકાદા પછી પણ સરકાર દ્વારા 2019 પછી 3.4 બિલિયન પાઉન્ડના કોન્ટ્રાક્ટ અપાયાં છે.

હાઉસ ઓફ કોમન્સની ટ્રેઝરી કમિટી દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર ડિસેમ્બર 2019માં કંપનીના સોફ્ટવેર મુદ્દે હાઇકોર્ટના ચુકાદા પછી પણ ટ્રેઝરી સાથે સંલગ્ન સંગઠનોને 1.4 બિલિયન પાઉન્ડના કોન્ટ્રાક્ટ અપાયા છે. હાઇકોર્ટના ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું કે, કંપનીની હોરાઇઝન સિસ્ટમમાં બગ્સ, એરર્સ અને ખામીઓ છે. આ ચુકાદો આવ્યા પહેલાં પણ સરકાર દ્વારા કંપનીને બે બિલિયન પાઉન્ડ કરતાં વધુના કોન્ટ્રાક્ટ અપાયાં હતાં. આ કોન્ટ્રાક્ટ હાઇકોર્ટના ચુકાદા પછી પણ જારી રહ્યાં હતાં.

જાન્યુઆરી 2024માં ફુજિત્સુ કંપનીએ કેબિનેટ ઓફિસને જણાવ્યું હતું કે, પોસ્ટ ઓફિસ સ્કેન્ડલમાં ચાલી રહેલી તપાસ પુરી નહીં થાય ત્યાં સુધી કંપની યુકેમાં સરકારી કોન્ટ્રાક્ટ માટે નિવિદા નહીં કરે. ગયા મહિને ટ્રેઝરી કમિટીએ વિવિધ સરકારી વિભાગો પાસેથી ફુજિત્સુ સાથે કરાયેલા કોન્ટ્રાક્ટ અંગે માહિતી માગી હતી. રેવન્યૂ એન્ડ કસ્ટમ, ફાઇનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડ કંપની સાથે કોન્ટ્રાક્ટ ધરાવતા હોવાની માહિતી મળી હતી.

2019માં હાઇકોર્ટનો ચુકાદો આવ્યા પછી પણ રેવન્યૂ એન્ડ કસ્ટમ વિભાગ કંપની સાથે 2.8 બિલિયન પાઉન્ડનો કોન્ટ્રાક્ટ ધરાવતો હતો. હાલ તે 1.4 બિલિયન પાઉન્ડના કોન્ટ્રાક્ટ ધરાવે છે.

હોરાઇઝન પીડિત પાંચ પોસ્ટ સબમાસ્ટરોને સંપુર્ણ વળતર ચૂકવવાનો નિર્ણય

હોરાઇઝન સ્કેન્ડલમાં જેમના ચુકાદા ઉલટાવી દેવાયા છે તેવા સબ પોસ્ટમાસ્ટરોના એક નાનકડા જૂથને સંપુર્ણ વળતર આપવાની જાહેરાત કરાઇ છે. આ પહેલાં તેમને પોસ્ટ ઓફિસ દ્વારા નજીવા વળતરની ઓફર અપાઇ હતી કારણ કે પોસ્ટ ઓફિસ એમ માનતી હતી કે તેમની સામેના ખટલાઓમાં હોરાઇઝન સોફ્ટવેર અંગે જરૂરી પુરાવા ન હતા. પરંતુ હવે પોસ્ટ ઓફિસ મિનિસ્ટર કેવિન હોલિન્કરેક તેમને પણ સમાન વળતર ચૂકવવા સહમત થયાં છે.

કેપ્ચર સોફ્ટવેર પર મૂકાયેલા આરોપો મુદ્દે પોસ્ટ ઓફિસ ચિંતિત

બીજી એક ખામીયુક્ત આઇટી સિસ્ટમના કારણે પૂર્વ સબ પોસ્ટમાસ્ટરો સામે ખોટી રીતે કાનૂની કાર્યવાહી કરાઇ હોવાના દાવાઓ પર પોસ્ટ ઓફિસે ચિંતા વ્યક્ત કરી છે. હોરાઇઝન આઇટી સ્કેન્ડલ પહેલાં 1999માં આ પ્રકારના ખટલાઓનો પ્રારંભ થયો હતો. પૂર્વ સબ પોસ્ટમાસ્ટરોનો દાવો છે કે એકાઉન્ટિંગમાં મદદ કરવા માટે 1990ના દાયકામાં અમલમાં મૂકાયેલી કેપ્ચર આઇટી સિસ્ટમના કારણે તેમને વર્ણન ન કરી શકાય તેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter