2021-22માં 14,637 ભારતીયોએ બ્રિટનની નાગરિકતા પ્રાપ્ત કરી

2022માં રેકોર્ડ 2,25,620 ભારતીયોએ અન્ય દેશોની નાગરિકતા સ્વીકારી

Tuesday 14th February 2023 14:40 EST
 
 

લંડન

ભારત સરકારના જણાવ્યા અનુસાર 2022માં 2,25,620 લોકોએ તેમની ભારતીય નાગરિકતાનો ત્યાગ કર્યો હતો જે એક વર્ષમાં નાગરિકતા છોડનારા સૌથી વધુ ભારતીયો છે. પહેલીવાર ભારતીય નાગરિકતા છોડનારાની સંખ્યા બે લાખને પાર કરી ગઇ છે. 2021માં 1,63,370 લોકોએ ભારતીય નાગરિકતા તજી દીધી હતી. ભારતની સંસદમાં વિદેશ મંત્રી એસ જયશંકરે આપેલી માહિતી પ્રમાણે 2011થી અત્યાર સુધીમાં 16,63,440 લોકોએ ભારતીય નાગરિકતાનો ત્યાગ કર્યો છે. 2021માં 78,284 ભારતીયોએ અમેરિકન નાગરિકતા, 23,533 ભારતીયોએ ઓસ્ટ્રેલિયન નાગરિકતા, 21,597 ભારતીયોએ કેનેડાની નાગરિકતા અને 14,637 ભારતીયોએ બ્રિટિશ નાગરિકતા પ્રાપ્ત કરી હતી. છેલ્લા 3 વર્ષમાં પાંચ ભારતીયોએ યુએઇની નાગરિકતા પ્રાપ્ત કરી હતી.

માઇગ્રેશન હવે ગ્લોબલ ટ્રેન્ડ બની રહ્યું છે. હેલ્થકેર, આઇટી, એકાઉન્ટિંગ અને ફાઇનાન્સિંગમાં ઉચ્ચ કુશળતા ધરાવતા લોકો યુએસ, યુકે, કેનેડા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં નોકરી હાંસલ કરીને સ્થાયી થઇ રહ્યાં છે. અમેરિકા, કેનેડા, યુકે, જર્મની, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ જેવા દેશોમાં અભ્યાસ કરવા જઇ રહેલા ભારતીય વિદ્યાર્થીઓ ત્યાંની નાગરિકતા પ્રાપ્ત કરીને સંબંધિત દેશોમાં સ્થાયી થઇ રહ્યાં છે. તે ઉપરાંત અમીર ભારતીયો પણ અન્ય દેશોની નાગરિકતા સ્વીકારી રહ્યાં છે. તેઓ જે તે દેશમાં મૂડીરોકાણ કરીને નાગરિકતા હાંસલ કરે છે.

 2021-22માં 84,555 ભારતીય વિદ્યાર્થી યુકે અભ્યાસ માટે પહોંચ્યા

2021માં ફક્ત 54000 ભારતીય વિદ્યાર્થીઓ યુકે અભ્યાસ કરવા પહોંચ્યા હતા પરંતુ 2023માં આ સંખ્યા 6 ગણી થવાની સંભાવના છે. 2022માં 84,555 ભારતીય વિદ્યાર્થીઓએ બ્રિટનની વિવિધ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter