લંડન
બ્રિટનમાં કોરોના મહામારી બાદ પુસ્તકાલયની મુલાકાત લેનારા વાચકોની સંખ્યામાં 68 ટકા સુધીનો વધારો થયો હોવા છતાં પુસ્તકાલયો પર કરાતા ખર્ચમાં 17 ટકાનો ઘટાડો નોંધાયો છે. ચાર્ટર્ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટન્સી દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં કેન્દ્ર અને સ્થાનિક સરકારો દ્વારા પુસ્તકાલયો પર પ્રતિ 1000 વ્યક્તિએ વર્ષ 2021-22માં 9982 પાઉન્ડનો ખર્ચ કરાયો હતો જે 2020-21ના 11,970 પાઉન્ડ અને 2018-19ના 12646 પાઉન્ડની સરખામણીમાં ઘણો ઓછો છે.
ગ્રાન્ટ, ઓવરડ્યૂ ચાર્જ, રિઝર્વેશન ફી, ઓડિયો અને વિઝ્યૂઅલ મટિરિયલના ભાડાં અને કોર્પોરેટ આવક લાયબ્રેરીઓની આવકના મુખ્ય સ્ત્રોત છે. આ આવકમાં પણ 24 ટકાનો ઘટાડો નોંધાયો છે. 2020-21માં આ આવક પ્રતિ 1000 વ્યક્તિએ 868 પાઉન્ડ હતી જે 2021-22માં ઘટીને 660 પાઉન્ડ પર આવી ગઇ છે. બીજીતરફ લાયબ્રેરીની મુલાકાત લેનાર વ્યક્તિઓની સંખ્યામાં 68 ટકા સુધીનો વધારો નોંધાયો છે. પુસ્તકો લઇ જનારા વાચકોની સંખ્યામાં 58 ટકાનો વધારો થયો છે.
લાયબ્રેરીઓની વેબસાઇટની મુલાકાત લેનારા વાચકોની સંખ્યામાં પણ 8 ટકાનો ઘટાડો નોંધાયો છે. સીઆઇપીએફએના ચીફ એક્ઝિક્યુટિવ રોબ વ્હાઇટમેન કહે છે કે લાયબ્રેરીની મુલાકાત લેનારા વાચકોની સંખ્યામાં વધારો પ્રોત્સાહનજનક છે પરંતુ લાયબ્રેરીઓની આવક અને ફંડિંગમાં ઘટાડો હતાશા પેદા કરનારો છે. લાયબ્રેરીઓ ચોક્કસપણે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. વાચકોની સંખ્યામાં વધારો દર્શાવે છે કે આજના ઇન્ટરનેટના યુગમાં પણ લાયબ્રેરી સેવાઓની માગ ઘણી છે. પુસ્તકાલયો સમાજના દરેક વર્ગ માટે મૂલ્યવાન છે પરંતુ તેના ફંડિંગ અને આવકમાં સાતત્ય અત્યંત મહત્વનું છે.


