લંડનઃ યુકેની જનતા કોસ્ટ ઓફ લિવિંગનો સામનો કરી રહી છે ત્યારે ગયા વર્ષે વડાપ્રધાન રિશી સુનાકની આવક 2 મિલિયન પાઉન્ડને આંબી ગઇ હતી. વડાપ્રધાને યુકેને અડધા મિલિયન કરતાં વધુની રકમ ટેક્સમાં ચૂકવી છે. વડાપ્રધાનની ટેક્સ સમરી કહે છે કે તેમણે 2022-23ના નાણાકીય વર્ષ માટે ટેક્સ પેટે 5,08,308 પાઉન્ડ ચૂકવ્યાં છે. વડાપ્રધાનને કેપિટલ ગેઇન્સ પેટે 1.8 મિલિયન પાઉન્ડ, 2,93,407 પાઉન્ડ અન્ય ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ પેટે પ્રાપ્ત થયા હતાં. વડાપ્રધાનને યુએસ સ્થિત ઇન્વેસ્ટમેન્ટ ફંડ બ્લાઇન્ડ ટ્રસ્ટમાં કરેલા રોકાણમાંથી આ આવક પ્રાપ્ત થઇ હતી. વડાપ્રધાનને પગાર પેટે 1,39,477 પાઉન્ડ પ્રાપ્ત થયાં હતાં.
ગયા વર્ષે ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે, વડાપ્રધાન સુનાકને 4.7 મિલિયન પાઉન્ડની આવક થઇ હતી અને તેમણે 1 મિલિયન પાઉન્ડ કરતાં વધુનો ટેક્સ ચૂકવ્યો હતો. આજ સમયગાળામાં સુનાકે અમેરિકામાં ટેક્સ પેટે 51,648 ડોલર ચૂકવ્યાં હતાં.
14 વર્ષમાં આવકવેરો ચૂકવનારાની સંખ્યામાં 4.5 મિલિયનનો વધારો
બ્રિટનમાં આવકવેરો ચૂકવનારાની સંખ્યા છેલ્લા 14 વર્ષમાં 4.5 મિલિયન વધી છે. ટેક્સ પેયર્સ એલાયન્સના જણાવ્યા અનુસાર યુકેમાં અત્યારે 35.5 મિલિયન લોકો કોઇને કોઇ સ્વરૂપે આવકવેરાની ચૂકવણી કરે છે. 2010માં આ સંખ્યા 31 મિલિયન હતી. બ્રિટનમાં 12570 પાઉન્ડ કરતાં વધુ આવક ધરાવતા લોકોને આવકવેરો ચૂકવવો પડે છે. 2010થી 1.7 મિલિયન વધુ લોકો બેઝિક દર પર આવકવેરો ચૂકવી રહ્યાં છે. હાલ બેઝિક દર પર આવકવેરો ચૂકવનારાની સંખ્યા 28.5 મિલિયન પર પહોંચી છે.
અક્ષતાની પિતા નારાયણમૂર્તિ સાથે આઇસક્રીમની જ્યાફત
વડાપ્રધાન રિશી સુનાકના પત્ની અક્ષતા મૂર્તિની તેમના પિતા સાથેની એક તસવીર આજકાલ સોશિયલ મીડિયા પર ઘણી વાઇરલ થઇ રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર) પર પોસ્ટ કરાયેલી આ તસવીરમાં અક્ષતા મૂર્તિ તેમના પિતા અને ઇન્ફોસિસના સ્થાપક નારાયણમૂર્તિ સાથે બેંગાલુરૂ ખાતે એક આઇસ્ક્રીમ પાર્લરમાં આઇસક્રીમની જ્યાફત માણતા નજરે પડે છે.


