2022 બ્રિટન માટે અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ રહ્યું

બ્રિટનમાં પહેલીવાર તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું, ઇતિહાસનો ચોથો સૌથી ગરમ ઊનાળો

Wednesday 04th January 2023 05:45 EST
 
 

લંડન

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2022 બ્રિટન માટે અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ રહ્યું છે. પ્રાથમિક અંદાજો પ્રમાણે 2022નો દરેક મહિનો સરેરાશ કરતાં વધુ ગરમ રહ્યો હતો. ફક્ત ડિસેમ્બર મહિનામાં બ્રિટનમાં કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. 2022નું સરેરાશ તાપમાન અગાઉ 2014ના સરેરાશ તાપમાન 9.88 ડિગ્રી સેન્ટિગ્રેડને વટાવી ઓલટાઇમ હાઇ નોંધાય તેવી સંભાવના છે. 2022નું સરેરાશ તાપમાન કેટલું રહ્યું તેની જાહેરાત નવા વર્ષમાં કરાશે પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષનું તાપમાન નોંધપાત્ર રહ્યું હતુ. હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડો. માર્ક મેકકાર્થીએ જણાવ્યું હતું કે, માનવસર્જિત ક્લાઇમેટ ચેન્જના કારણે સરેરાશ તાપમાનમાં વધારો નોંધાવાની સંભાવના છે. પરંતુ તેનો અર્થ એ નથી કે આવનારા તમામ વર્ષ આટલાં જ ગરમ રહેશે. જોકે આગામી દાયકાઓમાં ગરમ વર્ષોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળશે. જૂન 2022માં આવેલા હીટવેવ્ઝના કારણે 2022નો ઊનાળો ઇતિહાસનો ચોથો ગરમ ઊનાળો રહ્યો હતો અને પહેલીવાર બ્રિટનમાં કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું હતું.

ક્લાઇમેટ ચેન્જ – 2022

-          ફેબ્રુઆરીમાં એક જ સપ્તાહમાં ડુડલી, યુનિસ અને ફ્રેન્કલિન એમ 3 સ્ટોર્મે બ્રિટનને ઘમરોળ્યો

-          19 જુલાઇ 2022ના રોજ લિન્કનશાયરના કોનિંન્ગ્સબી ખાતે રેકોર્ડ 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું

-          ઓગસ્ટ 2022માં બ્રિટનના ઘણા વિસ્તારોમાં દુકાળની સ્થિતિ જાહેર કરવાની ફરજ પડી

-          નવેમ્બર 2022માં તાપમાન સરેરાશ કરતાં 1.8 ડિગ્રી સેન્ટિગ્રેડ વધુ નોંધાયું

2023નું વર્ષ 2022 કરતાં વધુ ગરમ રહેવાનો અંદાજ

હવામાન વિભાગે જણાવ્યું છે કે 2023નું વર્ષ 2022 કરતાં વધુ ગરમ રહેવાનો અંદાજ છે. એક અંદાજ પ્રમાણે સતત 10મા વર્ષે ગ્લોબલ ટેમ્પરેચર ઓછામાં ઓછું 1 ડિગ્રી વધુ રહી શકે છે. ક્લાઇમેટ ચેન્જના કારણે સમગ્ર પૃથ્વીના તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. નેશનલ ટ્રસ્ટ નામની ચેરિટીના જણાવ્યા અનુસાર તાપમાનની દ્રષ્ટિએ 2022નું વર્ષ બેન્ચમાર્ક સાબિત થયું છે. આગામી વર્ષોમાં દુકાળ અને વાવાઝોડાં મોટા પડકારો બની શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter