લંડન
2022માં બ્રિટનના રિટેલ સેક્ટરને મોટો ફટકો પડ્યો છે. 2022માં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ દુકાનોએ તેમના શટર પાડી દીધાં છે. છેલ્લા એક વર્ષમાં રોજની 47 દુકાનો બંધ થઇ ગઇ હતી. આ માટે કોરોના મહામારીને જવાબદાર ગણવામાં આવે છે પરંતુ ગ્રાહકો ઝડપથી ઓનલાઇન શોપિંગ તરફ વળી રહ્યાં છે. દુકાનો બંધ થવા પાછળ આ પણ એક મહત્વનું પરિબળ છે.
સેન્ટર ફોર રિટેલ રિસર્ચે જણાવ્યું છે કે 2022માં મુખ્ય સડકો અને અન્ય સ્થળોએ આવેલી 17,145 દુકાનો બંધ થઇ ગઇ છે. 2021માં 11,449 દુકાનો બંધ થઇ હતી. મોટા ચેઇન સ્ટોર દ્વારા કિંમતોમાં સ્પર્ધા પ્રબળ બનાવાતાં વેપારીઓને તેમની નાની દુકાનો બંધ કરવાની ફરજ પડી હતી.
સેન્ટરે જણાવ્યું હતું કે, 2023માં પણ આ ટ્રેન્ડ જળવાઇ રહેવાની સંભાવના છે. 2022માં 1,51,000 કરતાં વધુ રિટેલ જોબ છીનવાઇ ગઇ હતી. જે 2021ની સરખામણીમાં 45000નો વધારો દર્શાવે છે. રિટેલ એસ્ટેટ એડવાઇઝરના જણાવ્યા અનુસાર રિટેલરો અને પ્રોપર્ટીના માલિકોએ બંધ પડેલી જગ્યાઓ પરના બિઝનેસ રેટ કવર કરવા માટે 1.1 બિલિયન પાઉન્ડની ચૂકવણી કરવી પડશે.
નાના વેપાર-ધંધાને લોન મેળવવામાં હાડમારી
યુકેમાં નાની કંપનીઓને પોસાય તેવી બેન્ક લોન્સ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એક રિસર્ચ અનુસાર આ બિઝનેસીસ કોવિડ કટોકટી પહેલાની સરખામણીએ વધારાના 36 બિલિયન પાઉન્ડના દેવાં પણ ધરાવે છે. લોબી ગ્રૂપ ધ ફેડરેશન ઓફ સ્મોલ બિઝનેસીસ (FSB)ના સભ્યોના સર્વેમાં જાણવા મળ્યું છે કે બેન્ક લોન્સ અને અન્ય ફાઈનાન્સીસની સફળ અરજીઓનું પ્રમાણ નોંધપાત્રપણે ઘટ્યું છે. FSB ના રિપોર્ટ મુજબ કોવિડ-19 પહેલા ત્રણમાંથી લગભગ બે અરજીની સફળતાની સરખામણીએ 2022ના ત્રીજા ક્વાર્ટરમાં અડધાથી પણ ઓછી અરજીને સફળતા મળી હતી. બિઝનેસ જેટલો નાનો હોય તેની બેન્ક લોન અરજી માન્ય રાખવાની શક્યતા ઘટી ગઈ છે.

