2022માં બ્રિટનમાં પવન ઉર્જા દ્વારા વિક્રમજનક વીજળીનું ઉત્પાદન થયું

નવેમ્બર અને ડિસેમ્બરમાં પવન ઉર્જા દ્વારા એક દિવસના 20 ગીગાવોટના ઉત્પાદનના રેકોર્ડ તૂટ્યાં

Wednesday 11th January 2023 05:52 EST
 
 

લંડન

નેશનલ ગ્રીડના જણાવ્યા અનુસાર ગ્રેટ બ્રિટને વર્ષ 2022માં પવન ઉર્જા દ્વારા વિક્રમજનક વીજળીનું ઉત્પાદન કર્યું છે. ગેસ અને થર્મલ પાવર સ્ટેશનોની સરખામણીમાં વર્ષ 2022માં રિન્યૂએબલ અને ન્યૂક્લિયર પાવર સોર્સીઝ દ્વારા વધુ વીજળીનું ઉત્પાદન કરાયું છે. ક્લાઇમેટ ચેન્જની અસરોથી બચવા માટે ફોસિલ ફ્યુઅલને સ્થાને ગ્રીન પાવરનો ઉપયોગ જ વિશ્વ માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. પવન અને સૌર ઉર્જા અન્ય સ્ત્રોતો કરતાં કિફાયતી પણ પડે છે. તેના કારણે લાંબાગાળે વીજળીના બિલોમાં પણ ઘટાડો કરી શકાશે.

બ્રિટનમાં વર્ષ 2022માં વીજળીનું સૌથી વધુ ઉત્પાદન ગેસ દ્વારા કરાયું હતું. તેમ છતાં ગેસ અને થર્મલ પાવર સ્ટેશનો દ્વારા 40 ટકા જ્યારે રિન્યુએબલ સોર્સીઝ તથા ન્યૂક્લિયર પાવર દ્વારા 48.5 ટકા વીજળીનું ઉત્પાદન કરાયું હતું. નવેમ્બરમાં એક જ દિવસમાં પવન ઉર્જા દ્વારા 70 ટકા કરતાં વધુ વીજળીનું ઉત્પાદન થયું હતુ. આ 20 ગીગા વોટ વીજળી 1700 ઘરોને એક વર્ષ સુધી હીટ આપી શકે છે. 30 ડિસેમ્બરે ફરી એક જ દિવસમાં 20.918 ગીગા વોટ વીજળીનું ઉત્પાદન થયું જે નવો વિક્રમ કહી શકાય.

બ્રિટનમાં સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતા કોલસાનો ઉપયોગ સતત ઘટી રહ્યો છે. 2022માં થર્મલ પાવર સ્ટેશનો દ્વારા કુલ માગના ફક્ત 1.5 ટકા વીજળીનું ઉત્પાદન કરાયું જે વર્ષ 2012માં 43 ટકા હતું. બ્રિટનને દરિયા કિનારે વાતા પવનોનો મોટો લાભ મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter