લંડન
બ્રિટન સહિત વિદેશોમાં વસી રહેલા ભારતીયો આ વર્ષમાં 100 બિલિયન ડોલર જેટલી માતબર રકમ સ્વદેશ મોકલશે તેવો અંદાજ છે. રેમિટન્સ પર વિશ્વ બેન્કના અહેવાલ અનુસાર 2021માં વિદેશમાં વસતા ભારતીયોએ 89.4 બિલિયન ડોલરની રકમ ભારતમાં મોકલાવી હતી જે વિશ્વમાં સૌથી વધુ હતી. 2022માં વિદેશોમાં વસતા ભારતીયો દ્વારા ભારતમાં મોકલાતી રકમ 100 બિલિયન ડોલરને પાર કરી જવાનો અંદાજ છે. વિશ્વમાં રેમિટન્સ પેટે આટલી મોટી રકમ પહેલીવાર મોકલાશે. અમેરિકા અને બ્રિટન સહિતના વિકસિત દેશોમાં પગારમાં થયેલા વધારા અને મજબૂત લેબર માર્કેટના કારણે આ રકમમાં વધારો થઇ રહ્યો છે.
વિશ્વ બેન્કે તેના અહેવાલમાં જણાવ્યું છે કે 2022માં વિશ્વભરના દેશોમાં માઇગ્રન્ટની સંખ્યામાં પાંચ ટકાનો વધારો થયો હોવાથી વતનના દેશમાં મોકલાતી રકમમાં વધારો થશે. ગરીબ અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં પરિવારની આવકમાં આ રકમ મહત્વની ભુમિકા ભજવતી હોય છે. તાજેતરના વર્ષોમાં અમેરિકા, બ્રિટન અને સિંગાપોર જેવા ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં સારું વેતન ચૂકવતી નોકરીઓ મેળવવામાં ભારતીયો અગ્રીમ સ્થાને રહ્યાં છે. વિદેશોમાં વસતા ભારતીયો દ્વારા દેશમાં મોકલાતી રકમ ભારતના જીડીપીના 3 ટકાની આસપાસ પહોંચી ગઇ છે.
જોકે દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં રેમિટન્સની રકમમાં 10 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. 2022માં વિદેશોમાંથી સ્વદેશમાં મોકલાતી રકમ 5 ટકાને વધીને 626 બિલિયન ડોલર પર પહોંચી જવાની સંભાવના છે.


