લંડન
વડાપ્રધાન રિશી સુનાકે નવા વર્ષના સંદેશમાં આગામી મહિનાઓ બ્રિટન માટે શ્રેષ્ઠ રહેવાનું વચન આપ્યું હતું જોકે તેમણે ચેતવણી પણ ઉચ્ચારી હતી કે 2022નું વર્ષ દેશ માટે આકરું રહ્યું તેવી જ રીતે 2023માં પણ બ્રિટન સમક્ષ રહેલી સમસ્યાઓનો ઉકેલ આવી જવાનો નથી. સુનાકે આશા વ્યક્ત કરી હતી કે કિંગ ચાર્લ્સ તૃતિયની તાજપોશી ફરી એકવાર દેશને એકજૂથ કરશે.
સુનાકે જણાવ્યું હતું કે, 2022નું વર્ષ દેશ માટે આકરું રહ્યું હતું. આપણે હજુ માંડ માંડ વૈશ્વિક મહામારી અને યુક્રેન પરના રશિયાના ગેરકાયદેસર આક્રમણની અસરોમાંથી બહાર આવી રહ્યાં છીએ. કોરોના મહામારી અને રશિયાના યુક્રેન પરના આક્રમણના કારણે સર્જાયેલી વૈશ્વિક આર્થિક અસરોમાંથી બ્રિટન પણ બાકાત રહી શકે તેમ નહોતો. આપણા દેશમાં ઘણા લોકોએ આ વૈશ્વિક આર્થિક અસરી પીડા ભોગવી છે. મારી સરકારે ઉધારી અને દેવાને નિયંત્રિત રાખવા મુશ્કેલ છતાં ઉચિત નિર્ણયો કર્યાં છે. આ નિર્ણયોના કારણે જ આપણે વધી રહેલી મોંઘવારીમાં સૌથી નબળા વર્ગના પરિવારોને આર્થિક સહાય આપી શક્યાં છીએ.
દેશ માટેની પોતાની યોજના પર રિશી સુનાકે જણાવ્યું હતું કે, ત્રણ મહિના અગાઉ હું ડાઉનિંગ સ્ટ્રીટના પગથિયા પર ઊભો હતો અને મેં મારી જાતને વચન આપ્યું હતું કે મારા દેશના નાગરિકો માટે સૌથી મહત્વની બાબતો પર હું અથાક પરીશ્રમ કરીશ. ત્યારથી મારી સરકાર એનએચએસ સહિતની સેવાઓ સુદ્રઢ બનાવવા માટે નિર્ણાયક પગલાં લઇ રહી છે. અમે ગેરકાયદેસર ઇમિગ્રેશન અને રાજ્યાશ્રયના કાયદાઓનો ગેરલાભ લેતા અપરાધીઓ સામે નિર્ણાયક પગલાં લીધાં છે.
સુનાકે જણાવ્યું હતું કે, હું તમને એવા ભ્રમમાં રાખવા માગતો નથી કે નવા વર્ષમાં તમામ સમસ્યાનો અંત આવી જશે. પરંતુ એટલું કહીશ કે વૈશ્વિક મંચ પર બ્રિટનની શ્રેષ્ઠ બાબતો પ્રદર્શિત કરવાની તક 2023નું નવું વર્ષ લઇને આવ્યું છે.


