લંડન
યુકેના એન્વાયરમેન્ટલ વોચડોગે ચેતવણી આપી છે કે જો આગામી મહિનાઓમાં સરેરાશ કરતાં વધુ વરસાદ નહીં નોંધાય તો ઇંગ્લેન્ડને આગામી ઊનાળામાં ફરી એકવાર દુકાળનો સામનો કરવો પડશે. એન્વાયરમેન્ટ એજન્સીએ તેની પ્રાથમિક સમીક્ષામાં જણાવ્યું છે કે મધ્ય ડિસેમ્બરમાં પણ ઇંગ્લેન્ડ દુકાળનો સામનો કરી રહ્યો છે. કેટલાક જળાશયોમાં હજુ સામાન્ય કરતાં ઓછી જળસપાટી છે. એજન્સી દ્વારા મોટાપાયે પૂરની ચેતવણીઓ આપવામાં આવી છે છતાં સંભાવના છે કે ઊનાળામાં પાણીની તંગી સર્જાઇ શકે અને ઓગસ્ટ 2022ની જેમ હોસપાઇપ પર પ્રતિબંધ લાદવાની નોબત આવી શકે છે.
બ્રિટનમાં પાણીની તંગી માટે લીકેજ સૌથી મોટું પરિબળ છે. વોટર કંપનીઓ દ્વારા સપ્લાય કરાતા પાણી પૈકીનો 20 ટકા જથ્થો લીકેજમાં વેડફાઇ જાય છે. દેશને દુકાળ સામે રક્ષણ આપવા લીકેજ બંધ કરવા અત્યંત આવશ્યક છે પરંતુ તે એકમાત્ર ઉપાય પણ નથી. વોટર કંપનીઓએ શિયાળા દરમિયાન લીકેજ બંધ કરવાની સાથે સાથે ખેડૂતો અને અન્ય સેક્ટરો સાથે ચર્ચા કરીને પાણીનો વપરાશ ઘટાડવાની તૈયારી કરવી જોઇએ નહીંતર આગામી વર્ષે પણ દુકાળની સ્થિતિ યથાવત રહેશે.
પર્યાવરણ એજન્સીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જ્હોન લેલેન્ડે જણાવ્યું હતું કે, મુખ્ય સમસ્યા જરીપુરાણું વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. કેટલાક વિસ્તારોમાં તો પાઇપ નેટવર્ક 150 વર્ષ જૂનું છે તેથી લીકેજ સામાન્ય સમસ્યા બની રહી છે. દેશમાં પથરાયેલી 3,50,000 કિલોમીટર પાણીની પાઇપોમાંથી લીકેજ હટાવવું એક મહાકાય પડકાર છે.


