2023ના પ્રથમ 3 મહિનામાં યુકેમાં ઘૂસણખોરી કરનારામાં ભારતીયો બીજા સ્થાને

2022ના 683ની સરખામણીમાં 2023ના 3 મહિનામાં 675 ભારતીયોએ ઘૂસણખોરી કરી

Tuesday 02nd May 2023 12:48 EDT
 
 

લંડન

ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકેમાં ઘૂસણખોરી કરી રહેલા વિદેશીઓમાં બીજા સ્થાને ભારતીયો છે. 2023ના પ્રથમ 3 મહિનામાં નાની હોડીઓ દ્વારા ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકે પહોંચેલા ગેરકાયદેસર ઘૂસણખોરી કરનારા  કુલ 3793 વિદેશીમાં 675 ભારતીયોનો સમાવેશ થાય છે. 909 અફઘાન સાથે અફઘાનિસ્તાનથી યુકે પહોંચેલા વિદેશીઓ પ્રથમ ક્રમે રહ્યાં હતાં. યુકેમાં ઘૂસણખોરી કરનારા કુલ પૈકીના 18 ટકા ભારતીયો રહ્યાં હતાં. પાનખર બાદ યુકેમાં ઘૂસણખોરી કરતા આલ્બેનિયનોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. 2023માં ફક્ત 29 આલ્બેનિયન યુકે પહોંચ્યા છે. 2022માં યુકેમાં ઘૂસણખોરી કરનારામાં આલ્બેનિયનો પ્રથમ સ્થાને હતા. કુલ 12301 આલ્બેનિયન નાગરિકો ગેરકાયદેસર રીતે યુકે પહોંચ્યા હતા.

2022માં યુકેમાં ઘૂસણખોરી કરનારા કુલ ભારતીયોની સંખ્યા 683 હતી જે 2023માં પ્રથમ 3 મહિનામાં જ 675 પર પહોંચી ગઇ છે. ભારત સરકારે જણાવ્યું છે કે પંજાબમાં ખાલિસ્તાની અલગતાવાદીઓ પર સરકારની સખ્ત કાર્યવાહી બાદ દેશ છોડીને અલગતાવાદી શિખો નાસી રહ્યાં છે તેના કારણે યુકેમાં ઘૂસણખોરી કરનારા ભારતીયોની સંખ્યામાં વધારો થયો છે. જોકે યુકે સરકાર કહે છે કે દેશમાં ગેરકાયદેસર કામ કરવાની પ્રવૃત્તિમાં વધારાના કારણે આ સંખ્યા વધી છે.

હજુ ગયા સપ્તાહમાં જ ઇમિગ્રેશન વિભાગ દ્વારા પડાયેલા દરોડામાં ગેરકાયદેસર રીતે કામ કરી રહેલા 60 ડિલિવરી ડ્રાઇવરોની ધરપકડ કરાઇ હતી જેમાં મોટી સંખ્યામાં ભારતીયો પણ સામેલ છે.

હોમ ઓફિસના એક અંદાજ પ્રમાણે આ વર્ષના અંત સુધીમાં દર મહિને રાજ્યાશ્રય માટે 10,000 જેટલા દાવા કરાય તેવી સંભાવના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter