લંડનઃ 2023માં ભયજનક રીતે ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકે આવતા ભારતીય નાગરિકોની સંખ્યામાં 60 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. માનવ તસ્કરોને સેંકડો પાઉન્ડ ચૂકવીને ગેરકાયદેસર રીતે યુકેમાં પ્રવેશતા સમુહોમાં ભારતીયો નવમા સ્થાને છે. આ રીતે પ્રવેશ કરનારા ભારતીયોમાં 18થી 39 વર્ષના લોકો મોટી સંખ્યામાં છે. તેઓ ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકેમાં રાજ્યાશ્રયની માગ કરે છે.
ઓફિસ ઓફ નેશનલ સ્ટેટિસ્ટિક્સના તાજેતરના આંકડા દર્શાવે છે કે 2023માં ઇંગ્લિશ ચેનલ પાર કરીને 1,192 ભારતીયો યુકેમાં પ્રવેશ્યા હતા. 2022માં આ રીતે યુકે આવનારા ભારતીયોની સંખ્યા 748 હતી જે 60 ટકાનો વધારો દર્શાવે છે. તે પહેલાંના વર્ષોમાં બહુ ઓછી સંખ્યામાં ભારતીયો ગેરકાયદેસર રીતે યુકે આવતા હતા. 2021માં 67, 2020માં 64 ભારતીયોએ ઇંગ્લિશ ચેનલ પાર કરી હતી જ્યારે 2018 અને 2019માં કોઇ ભારતીય આ રૂટ દ્વારા યુકેમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો નહોતો. જેની સામે પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે આવનારા લોકો ફક્ત 103 હતા.
યુકેમાં ઇંગ્લિશ ચેનલ પાર કરીને ગેરકાયદેસર રીતે આવતા વિદેશીઓમાં પ્રથમ ક્રમે અફઘાન નાગરિકો છે. 2023માં 5,545 અફઘાન આ રીતે યુકે આવ્યા હતા. ત્યાર પછીના ક્રમે 3562 ઇરાની નાગરિક, 3040 તૂર્કીના નાગરિક, 2662 ઇરિટ્રિયાના નાગરિક, 2545 ઇરાકના નાગરિક, 2280 સીરિયાના નાગરિક, 1612 સુદાન અને 1323 વિયેટનામના નાગરિક આવે છે. 2023મા 602 બોટ દ્વારા કુલ 29,438 વિદેશી નાગરિક ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકે પહોંચ્યાં હતાં.


