લંડનઃ વર્ષ 2023માં ટોરી કાર્યકરોમાં કેમી બેડનોક સૌથી લોકપ્રિય મંત્રી રહ્યાં છે. તેમની લોકપ્રિયતાએ તેમને રિશી સુનાકના અનુગામીના પ્રખર દાવેદાર બનાવી દીધાં છે. કન્ઝર્વેટિવ હોમ પોલ ઓફ પાર્ટી સપોર્ટર્સના વર્ષાંતના સરવેમાં બિઝનેસ સેક્રેટરીએ સુએલા બ્રેવરમેનને પાછળ રાખી દીધાં હતાં. સુએલા બ્રેવરમેન લોકપ્રિયતાના મામલે બીજા સ્થાને રહ્યાં હતાં. કેબિનેટ મિનિસ્ટર પેની મોરડૌન્ટને આ સરવેમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું છે. વેબસાઇટ સરવેમાં કુલ 716 મતમાંથી બેડનોકને સૌથી વધુ 174 મત પ્રાપ્ત થયાં હતાં જ્યારે ઇમિગ્રેશન મામલે હોમ સેક્રેટરીપદેથી બરખાસ્ત કરાયાં છતાં સુએલા બ્રેવરમેન 124 મત સાથે ટોરી રાઇટ વિંગમાં લોકપ્રિય મનાય છે.
ટોરી પાર્ટીમાં રિશી સુનાકની લોકપ્રિયતા તળિયે બેઠી
2023ના અંતે ટોરી પાર્ટીમાં રિશી સુનાકની લોકપ્રિયતા તળિયે બેઠી છે. કન્ઝર્વેટિવ પાર્ટીમાં જ સુનાકનું રેટિંગ નવેમ્બરના માઇનસ 25.4થી ઘટીને માઇનસ 26.5 પર પહોંચી ગયું છે. જેના કારણે આગામી ચૂંટણી વર્ષમાં રિશી સુનાક માટે કામગીરી કપરી બની શકે છે.


