2023માં ધાર્યા કરતાં મંદીની અસર ટૂંકાગાળાની રહેશે – બેન્ક ઓફ ઇંગ્લેન્ડ

ફુગાવાનો દર જૂનમાં ઘટીને 8 ટકા અને ડિસેમ્બરમાં 3 ટકા પર આવી જશે – બેન્ક ઓફ ઇંગ્લેન્ડ

Wednesday 08th February 2023 06:08 EST
 
 

લંડન

બેન્ક ઓફ ઇંગ્લેન્ડે જણાવ્યું છે કે આ વર્ષે યુકે મંદીમાં ધકેલાઇ જશે પરંતુ અગાઉની ધારણા કરતાં આ મંદી ટૂંકાગાળાની અને ઓછી ગંભીર રહેશે. અગાઉ ભય વ્યક્ત કરાયો હતો કે યુકેમાં બે વર્ષ મંદી જારી રહેશે પરંતુ ફુગાવા અને એનર્જી બિલમાં ઘટાડાને કારણે મંદીની અસર ઓછી વર્તાશે. મંદીના કારણે કેટલાક લોકોને નોકરી ગુમાવવાનો વારો આવી શકે છે. જોકે બેન્કે ચેતવણી આપી છે કે બ્રિટનનું અર્થતંત્ર હજુ નાજૂક અવસ્થામાં છે.

બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર એન્ડ્રુ બેઇલીએ જણાવ્યું હતું કે, ફુગાવમાં ઘટાડો થઇ રહ્યો છે પરંતુ હજુ મોટા જોખમ રહેલાં છે જે અર્થતંત્ર પર અસર કરી શકે છે. વ્યાજદર હવે ટોચ પર પહોંચી ગયાં છે. હવે ફુગાવામાં વધારો થશે તો જ વ્યાજદરમાં વધારો કરાશે. જોકે દેશનું અર્થતંત્ર 2026 પહેલાં કોરોના મહામારી પહેલાના સ્તરે પહોંચવાની કોઇ સંભાવના નથી.

આ પહેલાં થોડા દિવસ પહેલાં આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે જણાવ્યું હતું કે જી-7ના વિકસિત દેશોમાં ફક્ત યુકેનું અર્થતંત્ર મંદીમાં ઘેરાશે. યુકેના જીડીપી દરમાં 0.6 ટકાનો ઘટાડો નોંધાઇ શકે છે.

બેન્ક ઓફ ઇંગ્લેન્ડના અંદાજ

-          દેશના અર્થતંત્રમાં અગાઉના 3 ટકાના અંદાજ કરતાં 1 ટકાનો જ ઘટાડો થશે કારણ કે હોલસેલ એનર્જી પ્રાઇઝમાં નોંધપાત્ર ઘટાડો થયો છે

-          બેરોજગારીનો દર અગાઉના 6.4 ટકાના અંદાજ સામે 5.3 ટકા જ રહેશે, હાલ બેરોજગારીનો દર 3.7 ટકા છે

-          જૂન મહિનામાં ફુગાવાનો દર ઘટીને 8 ટકા પર અને વર્ષના અંત સુધીમાં 3 ટકા પર આવી જશે

-          જો કામદારોના વેતનમાં મોટો વધારો કરાશે તો ફુગાવો ઘટવાની ગતિ ધીમી પડી જશે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter