2023માં યુકેનું અર્થતંત્ર અન્ય વિકસિત દેશો કરતાં પણ બદતર સ્થિતિમાં રહેશે

યુકે કરતાં રશિયા, જર્મની અને ઇટાલી આર્થિક મોરચે સારો દેખાવ કરશે - આઇએમએફ

Wednesday 01st February 2023 05:58 EST
 
 

લંડન

આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે ચેતવણી આપી છે કે વર્ષ 2023માં યુકેનું અર્થતંત્ર અન્ય વિકસિત દેશો કરતાં સૌથી બદતર સ્થિતિમાં રહેશે. આઇએમએફએ જણાવ્યું છે કે યુકેની આર્થિક પ્રગતિ રશિયા કરતાં પણ બદતર રહેશે. 2023માં યુકેના જીડીપીમાં 0.6 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. અર્થતંત્રમાં પીછેહઠના કારણે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ વધુ ગંભીર બની શકે છે.

આઇએમએફએ જણાવ્યું હતું કે, આકરી ફિસ્કલ અને મોનેટરી નીતિઓ તથા આર્થિક સ્થિતિઓના કારણે યુકેના અર્થતંત્ર પર વિપરિત અસરો જોવા મળશે. મોંઘવારી બ્રિટિશ પરિવારોના બજેટ ખોરવી નાખશે. અગાઉ આઇએમએફએ જણાવ્યું હતું કે, 2023માં યુકેનો જીડીપી 0.3 ટકા વધશે અને 2024માં 0.6 ટકા સુધી વધી જશે પરંતુ હવે નવા અંદાજમાં આઇએમએફએ જણાવ્યું છે કે યુકેનો જીડીપી 2023માં 0.6 ટકા અને 2024માં 0.9 ટકા ઘટી શકે છે.

આઇએમએફએ જણાવ્યું છે કે ચીનમાં વિપરિત આર્થિક પરિણામો વૈશ્વિક આર્થિક વૃદ્ધિને અવરોધી શકે છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વધુ ઉગ્ર બને તેવી સંભાવના છે. વૈશ્વિક ફાઇનાન્સની સ્થિતિ વણસતા દેવાની સ્થિતિમાં વધારો થઇ શકે છે. જોકે આઇએમએફએ ઇટાલી અને જર્મની માટે આશાવાદ સેવ્યો છે. નાણા સંસ્થાએ જણાવ્યું છે કે 2023માં ઇટાલી અને જર્મની આર્થિક ક્ષેત્રે યુકે કરતાં સારો દેખાવ કરી શકે છે.

તાજેતરમાં જ બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નરે જણાવ્યું હતું કે, આ વર્ષે યુકેમાં મંદી આવવાની સંભાવનાઓ ઓછી છે જો કે વિશ્વના તમામ મોટા અર્થતંત્ર દબાણ અનુભવી રહ્યાં છે ત્યારે આપણે પણ તેનાથી બાકાત રહી શક્તા નથી. ચાન્સેલર જેરેમી હન્ટે જણાવ્યું હતું કે, ટૂંકાગાળાના પડકારો આપણા લાંબાગાળાના પરિણામો પર હાવી થવા જોઇએ નહીં. યુકેએ ગયા વર્ષે ઘણા અંદાજોને ખોટા સાબિત કર્યાં છે. અમે ફુગાવાને ઘટાડવા સહિતની અમારી યોજનાઓને વળગી રહીશું. આગામી વર્ષોમાં યુકે જર્મની અને જાપાન કરતાં પણ વધુ ઝડપથી પ્રગતિ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter