લંડન
2023માં વાહનચાલકો માટે નવા નિયમો લાગુ થવા જઇ રહ્યાં છે જેના કારણે હજારો બ્રિટનવાસીઓ પર અસર પડી શકે છે. નવા નિયમોમાં લંડનના અલ્ટ્રા લો એમિશન ઝોનનું વિસ્તરણ, ઇલેક્ટ્રિક કારના માલિકોને અપાતા લાભો અને ફ્યુઅલ ડ્યુટીમાં બદલાવનો સમાવેશ થાય છે. 2023માં લગભગ 6 નિયમોમાં બદલાવ થઇ રહ્યો છે.
- ઉલેઝનું વિસ્તરણ
ઉલેઝ લંડનનો એવો વિસ્તાર ગણાય છે જેમાં પ્રદૂષણ ફેલાવતા વાહનો પાસેથી ફી વસૂલવામાં આવે છે. 29 ઓગસ્ટ 2023થી આ વિસ્તારનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે જેના કારણે હજારો વાહનચાલકોને અસર પડશે. હાલ ઉલેઝનો વિસ્તાર નોર્થ અને સાઉથ સર્ક્યુલર રોડના દાયરામાં છે પરંતુ તેને વિસ્તારીને શહેરના 33 બરોને સમાવવામાં આવશે. ઉલેઝ એમિશન સ્ટાન્ડર્ડ સિવાયના વાહનો પાસેથી દરરોજના 12.50 પાઉન્ડની વસૂલાત કરાય છે.
- નંબર પ્લેટ
ગયા વર્ષે નંબર પ્લેટ પરા અક્ષરોના નિયમોમાં બદલાવ કરાયો હતો પરંતુ માર્ચ 2023માં તેમાં ફરીવાર બદલાવ થશે. નવા વાહનો માટે વર્ષમાં બે વાર નંબર પ્લેટ બદલાય છે. માર્ચ 2023થી વાહનચાલકો નવા વાહન માટે 23 રજિસ્ટ્રેશન પ્લેટ અને સપ્ટેમ્બરમાં 73 પ્લેટ અંતર્ગત નોંધણી કરાવી શકશે.
- ફ્યુઅલ ડ્યુટી રેટ
2022માં ફ્યુઅલ ડ્યુટી રેટ 12 મહિના માટે 5 પેન્સ ઘટાડવામાં આવ્યા હતા. માર્ચ 2023થી આ ઘટાડો રદ થશે અને ડ્યુટીમાં વધારો થઇ શકે છે.
- કંપની કાર ટેક્સ
કંપની કાર ટેક્સમાં છેલ્લા ઘણા વર્ષથી સતત વધારો થતો રહ્યો છે. 2023માં પણ આ વધારો નિશ્ચિત છે.
- ટીએફએલ સ્ક્રેપેજ સ્કીમ
30 જાન્યુઆરી 2023થી ચોક્કસ વિકલાંગતા અને મિન્સ ટેસ્ટેડ બેનિફિટ્સ મેળવતા લંડનવાસીઓ ટીએફએલ કાર અને મોટર સાયકલ સ્ક્રેપેજ સ્કીમ માટે અરજી કરી શકશે. નાના વેપારીઓ અને ટ્રેડર્સ માટે વાન અને મિનિ બસ સ્ક્રેપેજ સ્કીમ ઉપલબ્ધ કરાવાશે.
- હેવી ગૂડ્સ વ્હિકલ લેવી
12 ટનથી વધુ વજન ધરાવતા વાહનો પાસેથી સડકના ઘસારા માટે જકાત વસૂલવામાં આવે છે. કોરોના મહામારીના કારણે આ જકાતને રદ કરી દેવાઇ હતી. ઓગસ્ટ 2023થી ફરી તેની વસૂલાત શરૂ થશે.


