લંડનઃ 2023માં 15મી ઓગસ્ટના રોજ સાઉથહોલ ખાતે આયોજિત ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં કિરપાણ વડે હુમલો કરી ભારતીય મૂળના બે વ્યક્તિ અને એક મહિલા પોલીસ અધિકારીને ઇજા પહોંચાડનાર એક ખાલિસ્તાની સમર્થકને 28 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. 26 વર્ષીય ગુરપ્રીતસિંહ ભારતીય નાગરિક છે અને તેની પાસેથી 3 કિરપાણ મળી આવી હતી જેમાંથી 20 સે.મી.ની બ્લેડ ધરાવતી એક કિરપાણ વડે તેણે ઇજાગ્રસ્તોને ઘાયલ કર્યાં હતાં. તેને ત્રણે કિરપાણ કોર્ટમાં જમા કરાવી દેવાનો પણ આદેશ અપાયો હતો.
યુકેમાં કિરપાણ રાખવી કાયદેસર છે પરંતુ જજ ક્વામે ઇન્યૂન્ડોએ જણાવ્યું હતું કે, કિરપાણનો અપરાધમાં શસ્ત્ર તરીકે ઉપયોગ કાયદેસર નથી. કિરપાણ એક ભયજનક શસ્ત્ર છે. સાઉથહોલમાં રાતના 10 કલાકે ભારતીય મૂળના લોકો તિરંગા સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યાં હતાં ત્યારે ગુરપ્રીતે હુમલો કર્યો હતો જેમાં નાનક સિંહ અને આશિષ શર્માને ઇજા પહોંચી હતી. તેને અટકાવવાનો પ્રયાસ કરનાર પોલીસ કોન્સ્ટેબલ જસ્ટિન ફેર્રલને પણ ઇજા પહોંચી હતી.
ગુરપ્રીત 2020માં સ્ટુડન્ટ તરીકે યુકે આવ્યો હતો અને 2021માં તેણે અભયાસ પડતો મૂકીને રાજ્યાશ્રય માટે અરજી કરી હતી. કોર્ટે ગુરપ્રીતને સજા પૂરી થયે ભારત ખાતે દેશનિકાલ કરવાનો આદેશ પણ આપ્યો છે.