2024ના ઉત્તરાર્ધમાં સંસદની ચૂંટણી યોજવા વડાપ્રધાન સુનાકની વિચારણા

મારે હજુ ઘણા કામ કરવાના છે, વચનોના પાલન માટે પ્રતિબદ્ધ છુઃ સુનાક

Tuesday 09th January 2024 11:03 EST
 
 

લંડનઃ વડાપ્રધાન રિશી સુનાક 2024ના બીજા છ માસિકમાં સંસદની ચૂંટણી યોજવા પર વિચારણા કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, હું વર્ષના ઉત્તરાર્ધમાં સંસદની ચૂંટણીના આયોજનની ધારણા પર કામ કરી રહ્યો છું. તાજેતરના સપ્તાહોમાં એવી ધારણા પ્રબળ બની હતી કે સુનીક મે મહિનામાં સ્થાનિક ચૂંટણીઓની સાથે જ સંસદની ચૂંટણી પણ કરાવે.

લેબર નેતા સર કેર સ્ટાર્મરે વડાપ્રધાન રિશી સુનાક પર આરોપ મૂક્યો છે કે દેશ બદલાવ ઇચ્છી રહ્યો છે ત્યારે તેઓ ડાઉનિંગ સ્ટ્રીટમાં ચીટકી રહેવા માગે છે. લિબરલ ડેમોક્રેટ નેતા સર એડ ડેવીએ પણ આરોપ મૂક્યો હતો કે બ્રિટિશ જનતાના ચુકાદાનો સામનો કરવાના બદલે સુનાક સત્તાને વળગી રહ્યાં છે.

મેન્સફિલ્ડમાં યુથ સેન્ટરની મુલાકાત દરમિયાન વડાપ્રધાને જણાવ્યું હતું કે, મારે હજુ ઘણા કામ પૂરા કરવાના છે. વડાપ્રધાને મેમાં ચૂંટણીના આયોજનને તદ્દન નકારી કાઢ્યું નથી પરંતુ તેમણે સંકેત આપ્યો હતો કે તેઓ વર્ષના ઉત્તરાર્ધમાં ચૂંટણીનું આયોજન કરી શકે છે. સુનાકે જણાવ્યું હતું કે હું હજુ ઘણા કામ કરવા માગુ છું. મારે અર્થતંત્રને વ્યવસ્થિત કરવાનું છે અને જનતા પરના કરવેરાના બોજને ઘટાડવાનો છે. મારે ગેરકાયદેસર માઇગ્રેશન પર નિયંત્રણ મેળવવાનું છે. હું બ્રિટિશ જનતાને આપેલા તમામ વચનો પૂરાં કરવા પ્રતિબદ્ધ છું.

ચૂંટણી વિલંબિત કરવા માટેના સુનાકના કારણો

1 ફુગાવો અને વ્યાજદર

2023ના અંત સુધીમાં ફુગાવાનો દર અડધો કરવાનું સુનાકનું વચન પુરું થયું છે. ઘટેલા ફુગાવાના દરના લાભ જનતા અનુભવે તે માટે સામાન્ય ચૂંટણીમાં વિલંબ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે.

2 આર્થિક વિકાસ અને કરવેરા

સુનાક અને હન્ટ આર્થિક મંદી અટકાવવામાં સફળ રહ્યાં છે. સુનાકને આશા છે કે ઘટેલા ફુગાવાના કારણે આર્થિક વિકાસ દર વધારવામાં મદદ મળશે. માર્ચમાં રજૂ થનારા બજેટમાં કરવેરામાં કાપ મૂકીને સરકાર મતદારોના દિલ જીતવાનો પ્રયાસ કરશે, તેના કારણે ચૂંટણીમાં વિલંબ કરાયો છે.

3 આરોગ્ય સેવાઓ

એનએચએસમાં વેઇટિંગ લિસ્ટ ઘટાડવાના સુનાકના ઇરાદાઓને હડતાળો ફટકો મારી રહી છે. તેમ છતાં સુનાકને આશા છે કે વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો થશે તેથી તેઓ ચૂંટણી પાછી ઠેલી રહ્યાં છે.

4 ઇમિગ્રેશન

સુનાકને નાની હોડીઓ દ્વારા થઇ રહેલી ઘૂસણખોરી પર લગામ કસવામાં સફળતા મળી છે. સરકારને આશા છે કે ઇમિગ્રેશન પગલાંઓ આગામી સમયમાં સારા પરિણામ આપશે તેથી ચૂંટણી યોજવા માટે રાહ જોવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter