2024ના ઓક્ટોબર કે નવેમ્બરમાં સંસદની ચૂંટણી યોજાય તેવી સંભાવના

રિશી સુનાક ચૂંટણી યોજવા માટે કોઇ ઉતાવળ કરવા માગતા નથી - સૂત્રો

Tuesday 11th April 2023 13:41 EDT
 
 

લંડન

વડાપ્રધાન રિશી સુનાક આગામી સંસદિય ચૂંટણીઓ યોજવામાં જરાપણ ઉતાવળ કરવા માગતા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન 2024ના ઓક્ટોબર અથવા નવેમ્બરમાં સંસદની ચૂંટણી યોજે તેવી સંભાવના છે. રિશી સુનાકની ટીમ માને છે કે 2024ની પાનખર સુધી રાહ જોવી હિતાવહ છે કારણ કે અર્થતંત્રમાં સુધારાના લાભ મતદારો સુધી પહોંચતા થશે અને માઇગ્રન્ટ બોટ પેકેજની અસરો પણ જોવા મળશે. સંસદિય નિયમો પ્રમાણે જાન્યુઆરી 2025 સુધીમાં સંસદની ચૂંટણી યોજાઇ જવી જોઇએ.

કેટલાક સરવે દર્શાવ છે કે લેબર પાર્ટી સુનાકની કન્ઝર્વેટિવ પાર્ટી પર સરેરાશ 24 પોઇન્ટની લીડ ધરાવે છે. 2023ના પ્રારંભમાં ટોરી પાર્ટીના ચેરમેન ગ્રેગ હેન્ડ્સે સંકેત આપ્યો હતો કે, 2024ના ઉત્તરાર્ધમાં સંસદની ચૂંટણી યોજવી વધુ હિતાવહ રહેશે. ફેબ્રુઆરીમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી 18 મહિના અમને જણાવી દેશે કે અમે આગામી ચૂંટણીમાં જીતીશું કે કેમ. પહેલાં એવી ધારણા હતી કે રિશી સુનાક 2024ના પ્રારંભમાં જ સંસદની ચૂંટણી કરાવી શકે છે. તાજેતરના એક અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, લેબર પાર્ટી એમ માની રહી છે કે 2024ના મેમાં સંસદની ચૂંટણી યોજાઇ શકે છે.

કરવેરામાં કાપ અને નેશનલ લિવિંગ વેજમાં વધારાની સુનાકની યોજના

આગામી સંસદની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રિશી સુનાક કરવેરામાં કાપ મૂકવાની અને નેશનલ લિવિંગ વેજમાં નોંધપાત્ર વધારો કરવાની યોજના બનાવી રહ્યાં છે. આગામી ઓટમ સ્ટેટમેન્ટમાં ચાન્સેલર જેરેમી હન્ટ આવકવેરાના દરમાં ઘટાડો કરવાની વિચારણા કરી રહ્યા છે. આ સ્ટેટમેન્ટનો અમલ એપ્રિલ 2024થી શરૂ થશે. સરકારના મંત્રીઓને સલાહ આપવામાં આવી રહી છે કે એપ્રિલ 2024થી નેશનલ લિવિંગ વેજ 10.42 પાઉન્ડથી વધારીને 11.16 પાઉન્ડ પ્રતિ કલાક કરવો જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter