2024માં 34,582 માઇગ્રન્ટ્સ ચેનલ પાર કરીને યુકે પહોંચ્યા

ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા માઇગ્રન્ટ્સને અટકાવવામાં લેબર સરકાર નિષ્ફળ

Tuesday 17th December 2024 10:24 EST
 
 

લંડનઃ ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા માઇગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવાના લેબર સરકારના પ્રયાસો મધ્યે આ વર્ષે નાની હોડીઓ દ્વારા 34000 કરતાં વધુ માઇગ્રન્ટ્સ ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકે પહોંચ્યા હતા. ગયા ગુરુવારે રેકોર્ડ 609 માઇગ્રન્ટે ઇંગ્લિશ ચેનલ પાર કરી હતી. 2018 પછી ડિસેમ્બરમાં એક જ દિવસમાં યુકે પહોંચેલા માઇગ્રન્ટ્સની આ સૌથી વધુ સંખ્યા હતી.

હોમ ઓફિસના આંકડા અનુસાર આ વર્ષે 34,582 માઇગ્રન્ટ ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકે પહોંચ્યા હતા જે ગયા વર્ષની સરખામણીમાં 19 ટકાનો વધારો દર્શાવે છે. જોકે 2022ની સરખામણીમાં આ આંકડો 23 ટકા ઓછો છે. 2022માં વિક્રમજનક 44,821 માઇગ્રન્ટ્સ યુકે પહોંચ્યા હતા.  

શેડો હોમ સેક્રેટરી ક્રિસ ફિલિપે જણાવ્યું હતું કે, એક જ દિવસમાં રેકોર્ડ સંખ્યામાં આવેલા માઇગ્રન્ટ્સ લેબર સરકાર માટે શરમજનક બાબત છે. લેબર સરકારે રવાન્ડા સ્કીમ પડતી મૂક્યા બાદ માઇગ્રન્ટ્સની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.

જુલાઇથી અત્યાર સુધીમાં 13,500 માઇગ્રન્ટ્સને દેશનિકાલ કરાયા

બ્રિટનમાં જુલાઇમાં નવી સરકારની રચના બાદ અત્યાર સુધીમાં 13,500 ગેરકાયદેસર કામ કરી રહેલા માઇગ્રન્ટ્સને દેશનિકાલ કરાયા છે. બ્રિટનમાં ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને ઝડપી લેવા ઇમિગ્રેશન અધિકારીઓને બોડીવોર્ન કેમેરા અને ફિંગરપ્રિન્ટ કિટથી સજ્જ કરવામાં આવી રહ્યાં છે. હોમ સેક્રેટરી કૂપરે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર કામ કરતા માઇગ્રન્ટ્સ આપણા અર્થતંત્ર પર બોજારૂપ છે. તેના કારણે કાયદાનું પાલન કરી રહેલી કંપનીઓને નુકસાન પહોંચી રહ્યું છે. હોમ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, ઇમિગ્રેશનનો ઊંચો દર બ્રિટનને નુકસાન કરી રહ્યો છે. તેને યોગ્ય રીતે નિયંત્રિત કરવાની જરૂર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter