2024માં 37,000 માઇગ્રન્ટ્સ ઇંગ્લિશ ચેનલ પાર કરી યુકે પહોંચ્યા

વીતેલા વર્ષમાં સૌથી વધુ 78 માઇગ્રન્ટ્સે ચેનલમાં જીવ ગુમાવ્યો, જુલાઇમાં લેબર સરકાર સત્તામાં આવ્યા બાદ ચેનલ પાર કરીને 23,000થી વધુ માઇગ્રન્ટ્સ યુકે આવ્યા

Tuesday 07th January 2025 09:47 EST
 
 

લંડનઃ ગેરકાયેદસર માઇગ્રન્ટ્સને અટકાવવાના શ્રેણીબદ્ધ પ્રયાસો છતાં વર્ષ 2024માં ઇંગ્લિશ ચેનલ પાર કરીને 37000 માઇગ્રન્ટ્સ યુકે પહોંચ્યા હતા. ચેનલ પાર કરતી વખતે સર્જાયેલી દુર્ઘટનાઓમાં પણ ગયા વર્ષમાં સૌથી વધુ 78 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 2018થી અત્યાર સુધીમાં ચેનલ પાર કરતાં 241 માઇગ્રન્ટ્સ લાપતા બન્યાં હતાં.  2023માં 29,437 માઇગ્રન્ટ્સે ઇંગ્લિશ ચેનલ પાર કરી હતી જેની સામે 2024માં 36,816 માઇગ્રન્ટ્સ આવ્યા હતા. અત્યાર સુધીમાં વર્ષ 2022માં રેકોર્ડ 45,755 માઇગ્રન્ટ્સ ચેનલ પાર કરીને યુકે પહોંચ્યા હતા. જુલાઇ 2024માં ચૂંટણી પછી લેબર સરકાર સત્તામાં આવ્યા બાદ 23,000 કરતાં વધુ માઇગ્રન્ટ્સે ચેનલ પાર કરી હતી.

વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, નવા કાયદા અંતર્ગત યુકેનું નવું બોર્ડર સિક્યુરિટી કમાન્ડ માનવ તસ્કરોને શોધી કાઢીને તેમના બેન્ક ખાતા સીઝ કરી દેશે. તે ઉપરાંત તેમના પર પ્રવાસ પ્રતિબંધ, સોશિયલ મીડિયા બ્લેકઆઉટ અને ફોન નિયંત્રણો પણ લાગુ કરાશે.

2024માં સૌથી વધુ 5000 જેટલાં અફઘાન નાગરિકોએ ઇંગ્લિશ ચેનલ પાર કરી હતી. બીજા સ્થાને ઇરાની, અને ત્યારબાદ સીરિયન લોકો આવે છે. વિયેટનામ અને ઇરિટ્રિયાથી આવતા માઇગ્રન્ટસની સંખ્યા પણ ઊંચી છે.

સપ્ટેમ્બર 2024 સુધીના એક વર્ષમાં એક લાખથી વધુએ રાજ્યાશ્રયની માગ કરી

હોમ ઓફિસના આંકડા અનુસાર સપ્ટેમ્બર 2024 સુધીના છેલ્લા એક વર્ષમાં 99,700 કરતાં વધુ લોકોએ યુકેમાં રાજ્યાશ્રયની માગ કરી હતી. તાજેતરના વર્ષોમાં રાજ્યાશ્રય માટેની અરજીઓમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. રાજ્યાશ્રય માટેની સૌથી વધુ માગ 9500 પાકિસ્તાની દ્વારા કરાઇ હતી. ત્યારબાદ અફઘાનિસ્તાન, ઇરાન, બાંગ્લાદેશ, સીરિયા અને ભારતના માઇગ્રન્ટ્સનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter