લંડનઃ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં વર્ષ 2024માં અંગત ચોરીઓની ઘટનાઓમાં 22 ટકાનો ઉછાળો નોંધાયો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ઓએનએસ)ના આંકડા દર્શાવે છે કે 2024માં પોલીસના ચોપડે 1,52,416 ચોરીની ઘટનાઓ નોંધાઇ હતી જે 2003માં શરૂ કરાયેલી મેથડ બાદ સૌથી ઊંચી સપાટી પર છે. શોપ લિફ્ટિંગની ઘટનાઓમાં પણ વધારો નોંધાયો હતો. પહેલીવાર આ પ્રકારની ઘટનાઓ પાંચ લાખની સપાટીને પાર કરી ગઇ હતી.
2024માં નાઇફ ક્રાઇમની 54,587 ફરિયાદ નોંધાઇ હતી જે 2023ની સરખામણીમાં 2 ટકાનો વધારો દર્શાવે છે. ફાયરઆર્મ્સ ઓફેન્સમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 2024માં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પોલીસે 6.64 મિલિયન અપરાધ નોંધ્યા હતા જે અગાઉના વર્ષની સરખામણીમાં 1 ટકાનો ઘટાડો દર્શાવે છે.
પોલીસ મિનિસ્ટર ડેમ ડાયના જ્હોન્સને જણાવ્યું હતું કે, સરકાર અપરાધોને સાંખી લેશે નહીં. તેથી અમે 3000 વધારાના પોલીસ કર્મચારીઓ તહેનાત કરી રહ્યાં છીએ.
ક્રાઇમ સરવે ફોર ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ અનુસાર 2024માં હેડલાઇન ક્રાઇમની 9.6 મિલિયન ઘટના નોંધાઇ હતી. જેમાં લૂટ, અપરાધિક નુકસાન, ફ્રોડ, કોમ્પ્યુટરનો દુરુપયોગ, હિંસાનો સમાવેશ થાય છે.
ક્રાઇમ સરવે ઇંગ્લેન્ડ અને વેલ્સ 2024
- મોબાઇલ ફોનની તફડંચી જેવી ચોરીની ઘટનાઓમાં 13 ટકાનો વધારો
- ઘર બહારથી કુરિયર પેકેજ સહિતની વસ્તુઓની ચોરીમાં 19 ટકાનો વધારો
- બેન્ક અને ક્રેડિટ એકાઉન્ટ ફ્રોડમાં 33 ટકાનો વધારો