લંડનઃ 2023ના અંતથી યુકેમાં અમેરિકન એક્સએલ બુલી શ્વાન પર પ્રતિબંધ લાગુ થઇ રહ્યો છે ત્યારે સેંકડો શ્વાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે તેવી સંભાવના છે. આરએસપીસીએ, બ્લૂ ક્રોસ, બેટરસી ડોગ્સ એન્ડ કેટ્સ હોમ, ડોગ્સ ટ્રસ્ટ અને મેથ્યૂ જેવા રેસ્ક્યૂ સેન્ટરમાં હાલ રખાયેલા ઓછામાં ઓછા 246 એક્સએલ બુલી શ્વાનને મોતને ઘાટ ઉતારી નાખવામાં આવશે. પ્રતિબંધ અંતર્ગત 31 ડિસેમ્બર 2023 પછી આ પ્રકારના શ્વાનને ફરી ઘરમાં રાખી કે વેચાણ કરી શકાશે નહીં. 1 જાન્યુઆરી 2024થી આ પ્રકારના શ્વાનના માલિકોએ તેમના શ્વાનને જાહેરમાં લઇ જતી વખતે મોં પર ફરજિયાત માસ્ક પહેરાવવાના રહેશે અને ફેબ્રુઆરી સુધીમાં આ પ્રકારના શ્વાનના પાલનની પરવાનગી લેવાની રહેશે.


