લંડનઃ સાઉથ આફ્રિકાના જ્હોનિસબર્ગ ખાતે ગયા સપ્તાહમાં આયોજિત જી-20 શિખર સંમેલનમાં બ્રિટિશ વડાપ્રધાન સર કેર સ્ટાર્મર અને તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી વચ્ચે ઉષ્માસભર મુલાકાત યોજાઇ હતી. મોદીએ 2025ના વર્ષને ભારત અને યુકે વચ્ચેની ભાગીદારીમાં નવી ઉર્જાનો સંચાર કરનાર વર્ષ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જ્હોનિસબર્ગ ખાતે વડાપ્રધાન સ્ટાર્મર સાથેની મુલાકાત અદ્દભૂત રહી. અમે બંને દેશ વચ્ચેની ભાગીદારીને તમામ સેક્ટરમાં આગળ ધપાવીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને બ્રિટિશ વડાપ્રધાન સર કેર સ્ટાર્મર રેકોર્ડ પ્રતિનિધિમંડળ સાથે ભારતની બે દિવસની મુલાકાતે ગયા હતા. વડાપ્રધાનપદે ચૂંટાયા બાદ આ તેમની પ્રથમ ભારત મુલાકાત હતી. મુંબઇમાં બંને નેતા વચ્ચે ઉચ્ચસ્તરીય મંત્રણા યોજાઇ હતી.
સ્ટાર્મરની ભારત મુલાકાત પહેલાં જુલાઇ મહિનામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન ભારત અને યુકે વચ્ચેના બહુપ્રતિક્ષિત મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરાયા હતા.


