2025થી અમલમાં આવી રહેલા “કહીં ખુશી કહીં ગમ” જેવા કાયદા

કાયદામાં આવી રહેલા બદલાવના કારણે દરેક બ્રિટિશ નાગરિક પર અસર થશે

Thursday 02nd January 2025 00:32 EST
 

લંડનઃ વર્ષ 2025ના આગમન સાથે જ યુકેમાં અને તેની બહાર કાયદાઓમાં કેટલાંક બદલાવ અમલી બનશે જેની દરેક બ્રિટિશ નાગરિક પર અસર થશે. નેટ ઝીરો ટાર્ગેટથી સ્કેનજેન બોર્ડર બદલાવ સુધી નિયમોમાં સુધારા અમલી બનશે જે આગામી 12 મહિના સુધી અમલમાં રહેશે. કેટલાક બદલાવ 2026થી અમલી બનશે.

1 ડિસ્પોઝેબલ વેપ પર પ્રતિબંધ

સંસદમાં રજૂ કરાયેલો ખરડો પસાર થશે તો 1 જૂન 2025થી સમગ્ર યુકેમાં ડિસ્પોઝેબલ વેપ પર પ્રતિબંધ લાગુ થશે. આ કાયદાથી દેશમાં પ્રવર્તમાન થ્રો અવે કલ્ચરનો અંત આવશે.

2 ટોબેકો એન્ડ વેપ્સ બિલ

નવા ખરડામાં ધુમ્રપાન અંગેની સંખ્યાબંધ કાયદાકીય જોગવાઇઓ છે. જેમાં તમાકુ અને વેપની ખરીદી માટેની વયમર્યાદા વધારવાનો પ્રસ્તાવ છે. જાહેર સ્થળો પર ધુમ્રપાન પર પ્રતિબંધની પણ તેમાં જોગવાઇ છે.

3 જંક ફૂડની જાહેરાતો પર આંશિક પ્રતિબંધ

રાતના 9 કલાક પહેલાં ટેલિવિઝન પર જંક ફૂડની જાહેરાતો પર પ્રતિબંધ મૂકતા નવા કાયદા ઓક્ટોબર 2025થી અમલી બનશે. બાળકોમાં મેદસ્વિતા ઘટાડવા આ કાયદો લવાયો છે.

4 નેશનલ લિવિંગ વેજમાં વધારો

એપ્રિલ 2025થી એપ્રેન્ટિસ માટેના મિનિમમ અવરલી વેજ અને નેશનલ મિનિમમ વેજમાં વધારો અમલી બનશે જેમાં 18થી 20 વર્ષના યુવાઓને પ્રતિ કલાક 10 પાઉન્ડ ચૂકવવા પડશે. સરકાર એજ બ્રેકેટ દૂર કરીને તમામ પુખ્તો માટે મિનિમમ વેજ અને નેશનલ લિવિંગ વેજનો એક સમાન દર લાગુ કરવાની પણ તૈયારી કરી રહી છે.

5 વિનામૂલ્યે ચાઇલ્ડ કેરનું વિસ્તરણ

સપ્ટેમ્બર 2025થી 9 માસ અને તેથી મોટા બાળકો શાળામાં જતા ન થાય ત્યાં સુધી પ્રતિ સપ્તાહ 30 કલાક વિનામૂલ્યે ચાઇલ્ડ કેર ઉપલબ્ધ કરાવાશે. આ સુવિધા પ્રતિ વર્ષ 1,00,000 પાઉન્ડથી ઓછી આવક ધરાવતા વ્યક્તિઓને અપાશે.

6 પેરેન્ટલ લીવ અને સિક પે

એપ્રિલ 2025થી પેરેન્ટલ લીવ પે અને સિક પેના વધારેલા દરો અમલમાં આવશે. સ્ટેટ્યુટરી મેટરનિટી પે, સ્ટેટ્યુટરી પેટરનિટી પે, સ્ટેટ્યુટરી એડિશનલ પે, સ્ટેટ્યુટરી શેયર્ડ પેરેન્ટલ પે અને સ્ટેટ્યુટરી પેરેન્ટલ બિરીવમેન્ટ પે પ્રતિ સપ્તાહ વધીને 187.18 પાઉન્ડ જ્યારે સ્ટેટ્યુટરી સિક પે પ્રતિ સપ્તાહ 118.75 પાઉન્ડ ચૂકવાશે.

7 રેલવે સેવાઓનું સરકારીકરણ

2025થી લેબર સરકાર બ્રિટિશ રેલવે કંપનીઓનું સરકારીકરણ કરવા જઇ રહી છે. 2025માં 3 રેલવે ઓપરેટર કંપનીઓ સરકારી માલિકી હેઠળ આવી જશે.

8 ઇલેક્ટ્રિક વ્હિકલ ટેક્સ

1 એપ્રિલ 2025થી ઇવી વાહનચાલકોએ વ્હિકલ એક્સાઇઝ ડ્યુટી અંતર્ગત ટેક્સ ચૂકવવો પડશે. આ માટેની કરવેરા મુક્તિ હવે પાછી ખેંચી લેવામાં આવી છે.

9 એમ્પ્લોયર નેશનલ ઇન્શ્યુરન્સ

એપ્રિલ 2025થી નોકરીદાતાઓએ એમ્પ્લોયર નેશનલ ઇન્શ્યુરન્સમાં 1.2 ટકાનો દર ચૂકવવો પડશે.

10 નોન ડોમ સ્ટેટસ

2025થી બ્રિટનની બહાર કાયમી સરનામુ ધરાવતા બ્રિટિશરોએ નવા કરમાળખાનો સામનો કરવો પડશે. નોન ડોમ સ્ટેટસના સ્થાને રેસિડેન્સ બેઝ્ડ ટેસ્ટ અમલમાં આવશે.

10 ભાડૂઆતોના અધિકાર

રેન્ટર્સ રાઇટ્સ બિલના કારણે નો ફોલ્ટ ઇવિક્શનની પ્રથાનો અંત આવી જશે. આ કાયદાના કારણે ભાડૂઆતોને ભાડામાં વધારા અને મકાન ખાલી કરવા જેવી સમસ્યાઓ સામે રક્ષણ મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter